BZ કૌભાંડ: ક્રિપ્ટોમાં રોકાણ, 100 કરોડ રોકાણકારોના બાકી, 3 ક્રિકેટરોનું ઇન્વેસ્ટમેન્ટ; જુઓ ભુપેન્દ્રસિંહ ઝાલાની ‘માયાજાળ’
ગુજરાતમાં BZ ફાઇનાન્સ નામની કંપની ખોલીને માસ્ટર માઇન્ડ ભુપેન્દ્

ગુજરાતમાં BZ ફાઇનાન્સ નામની કંપની ખોલીને માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ તેની કંપનીમાં રોકાણ પર ત્રણ વર્ષમાં બમણા અને પ્રતિમાસ 3 ટકા સુધીનુ વ્યાજ આપવાની લાલચ આપીને છ હજાર કરોડ રૂપિયાનું સૌથી મોટુ કૌભાંડ આચરીને અનેક લોકોની બચતના નાણાં પડાવી લીધા હતા. ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો હતો.
જો કે, CID ક્રાઇમે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની 34 દિવસ બાદ મહેસાણા જિલ્લાના વિસનગરથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કાર્ટ સમક્ષ હાજર કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટો ખુલાસો
BZ પોન્ઝી સ્કીમ મામલે તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની FX ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ટ્રેડિંગ અને માર્કેટિંગની સ્કિલ શીખ્યો હતો. આ પહેલા M WAY નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI (Yearn Finance) કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું. જેમાં તેણે રોકાણ સામે 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અત્યાર સુધી 250 કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ પણ 100 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે. ભૂપેન્દ્રસિંહે 3 મહિનામાં જ 10 કરોડના 18 કરોડ રૂપિયા કર્યા હતા અને ત્યારબાદ બંને કંપનીને મર્જ કરી પોતાની એક સ્કીમ શરૂ કરી હતી.
કેટલા રોકાણકારોએ કેટલું રોકાણ કર્યું
સી.આઈ.ડી.ક્રાઈમે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને કુલ કેટલા રોકાણકારોએ કેટલુ રોકાણ કરેલ છે તે બાબતે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામા આવતી હતી અને આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનુ રોકાણ કરેલ હોવાની વિગત મળી આવી છે.
આ સિવાય 3 ક્રિકેટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે. જેમાં ક્રિકેટરો દ્વારા 10 લાખની આસપાસનું રોકાણ કરવામાં આવ્યું હતું.
કુલ 10 જેટલા લોકોએ 1 કરોડ કરતા વધારે રૂપિયા રોક્યા હતા તેવી માહિતી સામે આવી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે આ કેસમાં અગત્યના મુદ્દાઓમાં તેના એકાઉન્ટ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. જેટલા પણ રોકાણકારો છે, તેમની પાસેથી આરોપી કેવી રીતે લાભ મેળવ્યો.
ક્યાં સંતાયેલો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા?
આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની વિરૂધ્ધમાં તા.27/11/2024એ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરી રાજસ્થાન આશરે 15 દિવસ રોકાયો હતો, ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે તેના જુના 4 મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ નવા 4 મોબાઇલ ફોન ખરીદ કરી તેમા નવા 3 સીમકાર્ડ મેળવી જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કરેલ હોવાની વિગત મળી આવી છે.
17 શાખાઓ, 17 થી 18 મિલ્કતો વસાવી
આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ- 17 શાખાઓ જેમાં (૧) પ્રાંતિજ શાખા (૨) હિમંતનગર શાખા (૩) વિજાપુર શાખા (૪) પાલનપુર શાખા (૫) રાયગઢ શાખા (૬) ભીલોડા શાખા (૭) ખેડબ્રહ્મા શાખા (૮) ગાંધીનગર (૯) રણાસણ શાખા (૧૦) મોડાસા શાખા (૧૧) માલપુર શાખા (૧૨) લુણાવાડા શાખા (૧૩) ગોધરા શાખા (૧૪) બાયડ શાખા (૧૫) વડોદરા શાખા (૧૬) ડુંગરપુર (રાજસ્થાન) (૧૭) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે, તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ આશરે 17 થી 18 મિલ્કતો વસાવેલ હોવાની વિગત રીમાન્ડ દરમ્યાન જણાવેલ છે. આ ગુનાના આરોપીઓ અને તેઓના પરિવારની તેમજ આ સાથે સંકળાયેલ એજન્ટોની સ્થાવર અને જંગમ મિલ્કતો જેમાં શેર ક્રિપ્ટો કરન્સી બાબતેની હાલમાં તપાસ ચાલુ છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાનું લોકેશન કેવી રીતે મળ્યું?
ભૂપેન્દ્ર ઝાલા તેના સમાજના લોકોના સંપર્કમાં હતો. જેમના કોલ ટ્રેસ કરતા તેનું (ભૂપેન્દ્ર) લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગ્યા આસપાસ તેને દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત સિંહ અને તેના CA ઋષિત મહેતાની અટકાયત કરાઈ હતી. ભૂપેન્દ્ર ઝાલા સાથેના સંપર્ક અંગે રણજીતસિંહની CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરાઈ હતી. આ સાથે આરોપીઓના લોકેશન અને નાણાકીય વ્યવહારો સંદર્ભે પૂછપરછ કરાઈ હતી. CID દ્વારા રણજીત સિંહની કરાયેલી પૂછપરછમાં કંપનીઓની વિગતો સામે આવી છે. 4 મુખ્ય કંપનીઓના ઓડીટ રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેણે લોકોને 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે.
અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત BZના સ્ટાફ સાથે CID ક્રાઇમે 7 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય એજન્ટ મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ થઇ ચુકી છે.
આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹ 4 કરોડથી વધુ ઉઘરાવ્યા
BZ કૌભાંડ મામલે આરોપી મયુર દરજીની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં CID ક્રાઈમે જણાવ્યું હતું કે મુખ્ય એજન્ટ મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખ 4 હજાર BZની માલપુર બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેના બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર રૂપિયા BZનાં એકાઉન્ટમાં ગયા હતા. મયુર દરજીની માતા મીનાબેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી છે. આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી ₹.29.64 લાખથી વધુની હેરફેર થઇ છે. સર્ચ દરમિયાન આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹.4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પોલીસને હાથ લાગ્યો છે. અન્ય પરિજનોનાં કહેવાથી ₹.9.90 લાખની પણ ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી છે. જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે. મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કોઈપણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે દલીલો થઇ હતી.
સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓના ખાતામાં લાખોનું ટ્રાન્જેક્શન
BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા અને સામાન્ય પગાર ધરાવતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ અને પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.
1) રાહુલ રાઠોડ... જેનો દર મહિને 10 હજાર રૂપિયા પગાર હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને રોકડ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે.
2) વિશાલ ઝાલા... જેનો 12 હજાર 500 રૂપિયા પગાર હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ વ્યવહાર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે.
3) રણવીર ચૌહાણ... જેમનો 12 હજાર રૂપિયા પગાર હતો. છેલ્લા 4 મહિનાથી તે કંપનીમાં જોડાયેલો છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
4) સંજય પરમાર... જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.
5) દિલીપ સોલંકી... જેનો 10 હજાર રૂપિયા પગાર હતો. તે છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ વ્યવહાર મળી આવી છે.
6) આશિક ભરથરી... જેનો 7 હજાર રૂપિયા પગાર હતો. તે સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ વ્યવહાર અને 8,04,620 આંગડિયાની વ્યવહાર મળી આવી છે.
BZ સાથે સંકળાયેલ દલાલોની યાદી અને દસ્તાવેજો મળ્યા
BZ કૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં કમિશન પર રોકાણ લાવતા જમીન દલાલોની યાદી મળી આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીઝેડ ફાઈનાન્સના નામે કંપની ખોલીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે ફરાર ભુપેન્દ્રસિંહ ઝાલા અંગે હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. પરંતુ, સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજોમાં અનેક એજન્ટોના નામ મળ્યા હતા. મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા જમીન દલાલોને રોકાણ લાવવા પર પાંચ થી દસ ટકા કમિશન આપતો હતો જેમાં અનેક એજન્ટ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરના જમીન દલાલો હોવાની વિગતો ખુલી છે. ભુપેન્દ્રસિંહ તેમને રોકાણ લાવવા પર 10 ટકા સુધી કમિશન આપતો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીઝેડ લોકોને રોકાણ લાવવા પર 10 ટકા કમિશન ઉપરાંત, પ્રવાસ, મોબાઈલ ફોન સહિતની ભેટ આપવાની લાલચ આપી હતી. પોલીસને બીઝેડ માટે કામ કરતા 30 જેટલા મોટા જમીન દલાલોની યાદી મળી છે. જેમણે 50 કરોડથી વધારે રકમ ફાઈનાન્સના નામે અનેક કંપનીઓ શરૂ કરીને રોકાણ પર બમણું વળતર આપવાનું કહીને છ હજાર કરોડ રૂપિયાની છેતરપિડીં આચરવાના કૌભાંડમાં પોલીસે અનેક એજન્ટો તેમજ માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ગાલા વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધી અનેક મોટા ખુલાસા થયા છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે અનેક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહે વધુને વધુ રોકાણ લાવવા માટે જમીન દલાલી સાથે સંકળાયેલા ભુપેન્દ્રસિંહને આપી હતી. આ જમીન દલાલો અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર અને મહેસાણના હોવાનું જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ ભુપેન્દ્રસિંહ આ રકમ સીધી બીઝેડના એકાઉન્ટમાં લેવાને બદલે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને રોકડમાં લેતો હતો. જ્યારે મોટાભાગના વ્યવહારો બિલ્ડરના એકાઉન્ટમાં થયા હતા, ત્યારે જમીન દલાલ એજન્ટોની પુછપરછમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા છે.
4 કંપનીઓ, રૂ. 360 કરોડની તપાસ, 52 કરોડના ટ્રાન્જેક્શન - સી.આઇ.ડી.ક્રાઇમ
સી.આઇ.ડી.ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, BZ FINANCIAL SERVICES તથા BZ GROUP ના CEO ભુપેંદ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા અન્ય વિરૂદ્ધ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે ગુનાની તપાસ હાલ ચાલી રહેલ છે. ભુપેંદ્રસિંહ ઝાલા દ્વારા (1) BZ FINANCIAL SERVICE (2) BZ INTERNATIONAL BROKING PRIVATE LTD (3) BZ PROFIT PLUS (4) BZ MULTI TRADE આમ કુલ 4 કંપનીઓ દ્વારા 2020થી 2024 દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ.360,72,65,524/- નું રોકાણ થયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવા રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચું વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરી કરોડો રૂપીયાનું રોકણ કરાવેલ હોવાના પુરાવા સી.આઈ.ડી.ક્રાઈમને મળ્યા છે.
CID ક્રાઈમની તપાસ દરમ્યાન આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાની ફકત એક જ બ્રાચમાંથી રોકડ વ્યવહારનું ટ્રાન્જેક્શન કુલ રૂપીયા 52,000,0000/- (બાવન કરોડ) રોકડા રોકાણકારોએ આપેલ હોવાનું સામે આવ્યું છે.
આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ કરોડો રૂપીયાની આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરી હવાલા કરેલાનું સી.આઈ.ડી.ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાંથી અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલ્કતો વસાવી છે, જે મિલ્કતોની બજાર કિંમત આશરે 10 કરોડથી વધુની થાય છે. જે મિલ્કતો સીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ વસાવેલ વૈભવી અને મોઘીડાટ ગાડીઓ (1) Volvo Modal No.XC90 (2) Mercedes (3) Porsche car તથા આરોપી મયુર દરજીની FORTUNER અને HARRIER XT તમામ ગાડીઓ કબ્જે કરી છે જેની કિંમત આશરે 09 કરોડથી પણ વધારે છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાયસન્સ
ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અમદાવાદ ગ્રામ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી છે. દલીલો દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7 થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.
11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.








