Bhuj news : ભારે વરસાદને લીધે કચ્છનું હમીસર તળાવ છલકાયું, ભૂજ શહેરની શાળા-કચેરીઓમાં જાહેર રજા
Bhuj news : કચ્છના લખપત, રાપર સહિતના અનેક વિસ્તારોમાં જળ

Bhuj news : કચ્છના લખપત, રાપર સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકરની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે. જ્યારે ભૂજનું હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે મંગળવારે (9 સપ્ટેમ્બર, 2025) એક દિવસ માટે ભૂજ શહેર પૂરતી સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે.
હમીરસર તળાવ છલકાયું
કચ્છ-ભૂજના રાપર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી-પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ભૂજ શહેર સ્થિત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે, ત્યારે ભૂતકાળની પ્રણાલિકા પ્રમાણે હમીરસર તળાવ ઓગની જાય એટલે કે છલકાઈ જાય ત્યારે ભૂજ શહેર પૂરતી એક દિવસની જાહેર રજા આપવામાં આવે છે. જેને લઈને કલેક્ટરે નોટિફિકેશન જાહેર કર્યુ છે.
મળતી માહિતી મુજબ, હમીરસર તળાવ છલકાઈ છે, ત્યારે સ્થાનિકો ઢોલના તાલે વાજતે ગાજતે વરુણદેવની મેહરના વધામણાં કરવા જાય છે. આમ વધામણાં કરવાની પરંપરા રાજાશાહીથી ચાલી આવે છે. જેમાં આઝાદી પછી પાલિકા પ્રમુખના હસ્તે તળાવના વધામણાં કરવાની પ્રથા ઈ.સ. 1953થી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. જ્યારે આજે (8 સપ્ટેમ્બર) સાંજે 6:30 વાગ્યે હમીરસર તળાવ છલકાયું છે, ત્યારે આવતીકાલે મંગળવારે ફક્ત ભૂજ શહેરની સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ પૂરતી સ્થાનિક રજા જાહેર આપવામાં આવી છે
હમીરસરના વધામણાંનો રોચક ઈતિહાસ
1953થી આજ દિન સુધી હમીરસર તળાવ 29 વખત છલકાયું છે. ઈતિહાસકાર જોરાવરસિંહ જાદવના 'ગુજરાતના લોકઉત્સવો' પુસ્તકના(પૃષ્ઠક્રમાંક 109) મુજબ, કચ્છ-ભૂજમાં આવેલું હમીરસર તળાવ ઓગની જાય એટલે કે છલકાઈ જાય એટલે કચ્છીઓને ગોળનાં ગાડાં મળ્યાં, જેટલો આનંદ થાય છે અને હરખનાં વધામણાં કરવામાં આવે છે. જેમાં કચ્છીઓ એકબીજાને ભેટીને આનંદ વ્યક્ત કરે છે. જ્યારે કચ્છની લોકરૂઢિ અનુસાર, હમીરસર તળાવ છલકાય એટલે કચ્છીઓ તેમના ઘરે 'મેઘલાડુ' બનાવે છે. તમને જણાવી દઈએ કે, અગાઉ રાજવી પરિવાર દ્વારા નવા નીરને લાડુ અને નાળિયેર વહેતું મૂકીને વધાવવામાં આવતા હતા.





