Bhavnagar news: મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મીઓ સામે નોંધાયો ગુનો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત રાજ્યના ભાવનગરના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ત્રણેય પોલીસ અધિકારીઓએ લાંચ લીધી હતી.
ત્રણ પોલીસ કર્મચારીઓ સામે નોઁધાયો ગુનો
ભાવનગરના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ, અનોપસિંહ કિરીટસિંહ જાડેજા, ભદ્રેશભાઈ ગણેશભાઈ પંડ્યા અને હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ જાની વિરુદ્ધ રૂશ્વતના આરોપસર ગુનો નોંધાયો છે. આ ઘટના રાજ્યના DGPના ઇન્સ્પેક્શન દરમિયાન રૂબરૂ ફરિયાદ બાદ પ્રકાશમાં આવી હતી.
40 હજારમાં કરાયું સેટલમેન્ટ
25 મે, 2025ના રોજ, પ્રોહિબિશન કાર્યવાહીમાં ફરિયાદી અને તેમના મિત્રને બે ઇંગ્લિશ દારૂની બોટલ સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આરોપી પોલીસ કર્મચારીઓએ ફરિયાદ નહીં કરવાના બદલામાં 1 લાખ રૂપિયાની રૂશ્વત માગી હતી, જે બાદ 40,000 રૂપિયામાં સેટલમેન્ટ કરાયું હતું. આ મામલે એન્ટી કરપ્શન એક્ટની કલમ 7 અને 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ ડીવાયએસપી મિહિર બારીયાને સોંપવામાં આવી છે.

