અંકલેશ્વર GIDCમાં MD ડ્રગ્સ બનાવનાર મેટ્રીક્સ ફાઈન કેમના માલિકને કોર્ટે 2 લાખના દંડ સાથે ફટકારી 20 વર્ષની સજા

અંકલેશ્વર GIDCમાં મેસર્સ મેટ્રીક્સ ફાઈન કેમમાંથી વર્ષ 2018માં ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ-DRI સુરત દ્વારા દરોડા પાડીને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને પ્રતિબંધિત પ્રોડક્ટનું ઉત્પાદન કરતા કંપની માલિક ડો.સંકેત પટેલની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટે કંપની માલીક સંકેત પટેલને 20 વર્ષની સજા અને રૂપિયા 2 લાખનો દંડનો હુકમ કર્યો હતો.
29-07-201ના રોજ ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ અમદાવાદને માહિતી મળી હતી કે, અંકલેશ્વર GIDCમાં આવેલ મેસર્સ મેટ્રીક્સ ફાઈન કેમ એન્ડ લેબોરેટરીના માલિક ડૉ.સંકેત પટેલ મેફેડ્રોનનું ઉત્પાદન કરી તે વેચાણ તથા હેરાફેરી કરવાના આશયથી રાખેલ હોવાની માહિતી મળી હતી.
સુરત ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ-DRIને માહિતી અંગેની જાણ કરતા સુરત DRIના અધિકારીઓએ ગત તા: 30-07-2018ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં મેસર્સ મેટ્રીક્સ ફાઈન કેમ એન્ડ લેબોરેટરીમાં આવેલ ફેકટરી તથા ગાર્ડન સીટીમાં આવેલ મકાનમાં રેઈડ કરેલી, જે રેઈડ દરમિયાન સંકેત પટેલની ફેક્ટરીમાંથી પાસ પરમીટ વગરનો મેફેડ્રોન પદાર્થ 2 કિલો ગ્રામ સ્ફટીક સ્વરૂપમાં તથા 8 લીટર ઉપરાંત પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થો મળી આવ્યાં હતા.
ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ અધિકારી સોહમભાઈ લાખાણીએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને તેના સરકારી વકીલ એન. વી. ગોહિલે દલીલ કરી હતી.
કુલ 42 દસ્તાવેજો તથા 15 સાક્ષીઓને સરકારી વકીલ જે.બી. પંચાલ તથા સરકારી વકીલ એન.વી. ગોહિલે તપાસેલા. આ કેસ અંકલેશ્વરના એડિશનલ. સેશન્સ જજ એસ. ડી. પાંડેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જે. બી. પંચાલ અને એન. વી. ગોહિલે રજુ કરેલ દસ્તાવેજો, પુરાવા તથા દલીલોને ધ્યાનમાં લઈ આરોપી ડૉ. સંકેત પટેલને NDPS એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવી 20 વર્ષ ની સખત કેદની સજા તથા બે લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ સજા થતાં નાર્કોટીક્સ ડ્રગ્સનું ઉપ્તાદન કરતાં તથા સેવન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે તથા સમાજ માટે મહત્વપૂર્ણ ચુકાદો છે.

