અમદાવાદ : ‘ભગવાન જગન્નાથ કથા’ નાટક જોઈને પ્રેક્ષકો થયા અવાક, જાણો નાટકની વિશેષતા
Bhagwan Jagannath Katha : અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા દિનેશ હોલમાં રેમી એવ

Bhagwan Jagannath Katha : અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા દિનેશ હોલમાં રેમી એવોર્ડ વિન ધનંજય કપૂર લિખિત-દિગ્દર્શિત નાટક “ભગવાન જગન્નાથ કથા”નું મંચન થયું હતું. ગુજરાતમાં પહેલી વાર આ નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટકના પાત્રોએ એવા જીવંત દૃશ્યો ઉભા કર્યા હતા કે પ્રેક્ષકો સતત 5 કલાક રાત્રે 12:30 વાગ્યા સુધી બેસી રહ્યા હતા. આ નાટક ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય તેમજ ભંડીરા ટ્રી થિએટર ગ્રૂપ દ્વારા કલા સ્મૃતિના સહયોગથી રજૂ કરવામાં આવ્યું હતું.
આ નાટકમાં ભગવાન જગન્નાથજીના પ્રાદુર્ભાવની કથા છે. એક બાજુ રાજા ઇન્દ્રદ્યુમ્ન અને રાણી ગુંડીચા છે તો બીજી તરફ શબરરાજ વિશ્વાસુ છે. બંને ભગવાનને પામવા, દર્શન કરવા, સેવા કરવા કેવા કેવા પ્રયત્નો કરે છે એ નાટકનું કથાવસ્તુ છે. સાથે ભગવાન નીલમાધવ કેવી રીતે ભગવાન એક કાષ્ઠમાંથી ભગવાન જગન્નાથ સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા તેમજ સુદર્શન સાથે પ્રાદુર્ભૂત થાય છે તેની પૌરાણિક કથા પણ નાટકમાં આવરી લેવામાં આવી છે.
નાટકના અંતમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની જગન્નાથપુરીમાં બનાવવામાં આવે છે તેવી જ ચલ વિગ્રહ - કાષ્ઠ પ્રતિમાઓ તેમજ 4 ફુટનો રથ મંચ પર રજૂ કરવામાં આવ્યા હતા. ઓડીશાના પુરીમાં યોજાતી ત્રણેય રથની રથયાત્રા મંચ પર કાઢવામાં આવી હતી જે જોઈને પ્રેક્ષકો ઉભા થઇ ગયા હતા. સાથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની જગન્નાથપુરીના મંદિરમાં શયન સમયે થતી ગુપ્ત પૂજા પણ મંચ પર કરવામાં આવી હતી. પ્રેક્ષકોએ મંચ પર જઈને ભગવાનના દર્શન કર્યા હતા અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કર્યા એવી અનુભૂતિ કરી હતી.
નાટક જોવા આવેલા પ્રેક્ષકોમાંથી કોઈએ કહ્યું કે તેઓ જગન્નાથપુરીમાં પહોંચી ગયા હતા એવો અનુભવ થયો. તો કોઈએ તો જગન્નાથપુરી જઈને ભગવાન જગન્નાથના દર્શન કરવાનો નિશ્ચય કરી લીધો. પ્રેક્ષકોએ કહ્યું કે નાટકના પાત્રોએ એટલો જીવંત અભિનય કર્યો કે થોડીવાર માટે તો ભૂલી જ ગયા કે અમારે અમદાવાદમાં છીએ. આ નાટક જોવા માટે અમદાવાદમાં રહેતા ઓડિયા સમુદાયના લોકો પણ આવ્યા હતા, જેમણે પણ નાટક જોઈને ખુબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. દેશની સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં નીકળે છે અને ત્યારબાદ બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ દિવસે જગન્નાથપુરીની જેમ જ આખું અમદાવાદ ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જાય છે. અમદાવાદમાં આવું જ દિવ્ય વાતાવરણ 9 નવેમ્બરે સર્જાયું હતું.








