ભગવદ્ગોમંડલ: 70 વર્ષ પહેલાનું ગુજરાતી ભાષાનું Google, જેનું આજે થયું હતું પ્રાગટ્ય
25મી ઓગસ્ટનો દિવસ ગુજરાતી સાહિત્ય જગતમાં અમૂલ્ય છે. કારણ કે, ડિજિટલાઈ

25મી ઓગસ્ટનો દિવસ ગુજરાતી સાહિત્ય જગતમાં અમૂલ્ય છે. કારણ કે, ડિજિટલાઈઝેશન યુગ પહેલાં ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ રચેલા જ્ઞાનકોશ, શબ્દકોશ ભગવદ્ગોમંડલનો આજે પ્રાગટ્ય દિવસ છે. રાજવીએ ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન "માર્કેટ" શબ્દની જગ્યાએ ગુજરાતી ભાષામાં વપરાતો "બજાર" શબ્દ જોયો અને એમને વિદેશમાં ગુજરાતી ભાષાની તાકાત જોઈને શબ્દ કોશ રચવાની તાલાવેલી જાગી હતી. એ પછી અવિરત 26 વર્ષની જહેમતના અંતે 25મી ઓગસ્ટ, 1944માં આ પુસ્તકનો પહેલો ભાગ પ્રગટ થયો હતો.
1944માં પહેલો ભાગ, અને 1955માં છેલ્લો ભાગ થયો પ્રગટ
ગુજરાતી ભાષામાં સાહિત્યની 2 રાજવીઓએ સેવા કરી છે. જેમાં પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહે જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીના સહયોગથી સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ રચ્યો અને ગોંડલના રાજવીએ વિદ્યાધિકારી ચંદુલાલ બેચરદાસ પટેલના સહયોગથી ભગવદ્ગોમંડલ શબ્દકોશની રચના કરી છે.
સર ભગવતે તાયફાઓમાં લખલૂંટ ખર્ચાઓ કરવાના બદલે શબ્દકોશની રચના કરી છે. આ માટે તેમણે રાજ્ય વહીવટની સાથોસાથ કોશ કચેરી અલગ બનાવી હતી. જેમાં રાજવી પોતે રોજ હાજર રહેતા અને 20,000 શબ્દો પોતે એકત્ર કર્યા હતા. એક કારકુન પ્રૂફરીડરની જેમ શબ્દકોશના પ્રૂફ તપાસતા હતા. આ ભાષા યજ્ઞ સતત 26 વર્ષ લાગલગાટ ચાલ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે 2,81,377 શબ્દો, 5.40 લાખ અર્થ, 28,156 રૂઢિપ્રયોગોના સમાવેશ સાથે 9,270 પાનાનો જાજરમાન શબ્દકોશ રચાયો છે. તેનો પહેલો ભાગ 25મી ઓગસ્ટ, 1944 અને છેલ્લો એટલે કે નવમો ભાગ એમની ગેરહાજરીમાં આઝાદી પછી 9 માર્ચ, 1955 એમના અનુગામી ભોજરાજજીએ પ્રગટ કરાવ્યો હતો. આ શબ્દકોશમાં પહેલા ભાગમાં 902 પાના, બીજા ભાગમાં 932 પાના, ત્રીજા ભાગમાં 1,226 પાના, ચોથા ભાગમાં 1,090 પાના, પાંચમા ભાગમાં 1,018, છઠ્ઠાભાગમાં 1,014, સાતમા ભાગમાં 1,066, આઠમા ભાગમાં 1,026 અને નવમાં ભાગ સહિતના કુલ 9,270 પાના વપરાયા છે.
શબ્દકોશ રચવા પાછળ પોણા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ
26 વર્ષ દરમિયાન કોષ કચેરી ચલાવવા પાછળ 1,64,096 રૂપિયા, છાપકામ પાછળ 1,08,356 રૂપિયા મળી કુલ 2,72,450 રૂપિયાનો ખર્ચ થયો છે. આ શબ્દકોશમાં જુદી જુદી 23 ભાષાના અર્થો અને વિસ્તૃત વિવરણો અપાયા છે. શબ્દકોશની પડતર કિંમત 545 રૂપિયા થઈ હતી, પરંતુ રાજવીએ ભાષા પ્રેમીઓને ફક્ત 146 રૂપિયામાં નવ ભાગ આપ્યા હતા. શબ્દકોશ બન્યા પછી બધા રાઈટ્સ નગર પાલિકા પાસે હતા. ઓફસેટ પ્રિન્ટિંગ આવતા ગોંડલ નગરપાલિકાના તત્સમયના પ્રમુખ ગોવિંદભાઈ દેસાઈએ આ શબ્દકોશનું પુનઃમુદ્રણ કરાવવા નક્કી કરતા મુળ ગોંડલ સ્ટેટના ઉપલેટાના વતની રાજકોટના પ્રકાશ કે.એ આ બીડુ ઝડપ્યું હતું. હવે આ શબ્દકોશ પર કોપીરાઈટસ હટી ગયા છે અને પબ્લિક ડોમેઈનમાં આવી ગયો છે.
આની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી: ગાંધીજી
ગોંડલ રાજવીએ શબ્દકોશની રચના કરતા મહાત્મા ગાંધીજીને એની પ્રસ્તાવના લખવા માટે કહ્યું હતું, પરંતુ ગાંધીજીએ કહ્યું હતું કે, 'પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી, તમારા સાહસથી હું મુગ્ધ થયો છું.' માતૃભાષાની તમારા કાર્યથી મોટી સેવા થઈ છે એમ જણાવી પંચગીનીથી પત્ર દ્વારા આશીર્વાદ આપ્યા હતા. આ શબ્દકોશનો નવમા અને છેલ્લા ભાગની પૂજા દ્વારકાના તે સમયના શંકરાચાર્યજી અભિનવતીર્થજીએ પૂજન કર્યું હતું અને વધાવ્યો હતો.
હવે જ્ઞાનકોશ શબ્દકોશ આંગળીના ટેરવે ટચ કરતા થાય છે હાજર
"ભગવદગોમંડળ" શબ્દકોશના ડિજિટલાઈઝેશન માટે રતિલાલ ચંદરિયાની લેક્સિકોન ટીમે ભગીરથ કાર્ય કરી ઓનલાઈન કરી દીધો છે. આજે પણ વેબસાઈટ પર જઈને કોઈ પણ શબ્દ ટાઈપ કરવામાં આવે તો એ શબ્દ એના પારિભાષિક શબ્દો એમના અર્થો અને એમના વિશે જે કંઈ માહિતી હોય એ બધુ સામે આવી જાય છે.








