લ્યો બોલો, ગુજરાતમાં આવું પણ થાય!! 10 વર્ષથી કાગળ પર ચાલતી બી.એડ. કોલેજ ઝડપાઈ
ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોલેજ પકડાઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુ

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોલેજ પકડાઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે બી.એડ. કોલેજ ઝડપાઈ છે, જે છેલ્લા 10 વર્ષથી કાગળ પર ચાલી રહી છે. રાજકોટમાં નકલી સ્કૂલ, સાબરકાંઠાના વિજયનગરમાં નકલી કોલેજ, રાજ્યની સરકારી સ્કૂલોમાં ભૂતિયા શિક્ષકો બાદ હવે આ 10 વર્ષથી કાગળ પર ચાલતી કોલેજ ઝડપાતા રાજ્યના શિક્ષણ વિભાગના અધિકીરીઓની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.
10 વર્ષથી કાગળ પર ચાલતી કોલેજ HNGU સંલગ્ન અને NCTE માન્યતા પ્રાપ્ત
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
આ કોલેજના સ્થળનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવ્યાં છે, પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ નથી. સરકારના નિયમ પ્રમાણે આ કોલેજમાં સાત જેટલા શિક્ષકોની ફાળવણી પણ કરવામાં આવી છે, તે શિક્ષકો ક્યાં હશે તે પણ મોટો પ્રશ્ન છે.
સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે આ બી.એડ. કોલેજ હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી-HNGU સાથે સંલગ્ન છે, HNGUની વેબસાઈટ પરથી આ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે. તેમજ બી.એડ. કોલેજને માન્યતા આપતી કેન્દ્ર સરકારની સંસ્થા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન- NCTE પાસેથી પણ આ કોલેજને માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે. કાગળ પર ચાલતી આ કોલેજમાં વિદ્યાર્થી દીઠ રૂ.40,000 ફી ઉઘરાવવામાં આવતી હોવાની માહિતી પણ મળી રહી છે.
હાલ સ્થળ પર સ્થિતિ શું છે? ટ્રસ્ટીએ શું કહ્યું?
હાલ આ સ્થળ પર 10 જેટલા ઓરડાઓ છે, જેમાં ઉત્તરપ્પ્રદેશ અને બિહારના મજૂરો વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસેથી રૂ.8000 જેટલું મહિને ભાડું લેવામાં આવી રહ્યું છે.
આ બાબતે સંસ્થાને મેનેજ કરતા શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીકાંતભાઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે બધું જ લીગલ છે, તેમણે એક કહ્યું કે કોલેજ શિફ્ટ કરવાની અરજી આપવામાં આવી છે. તેમણે બધા પુરાવા પણ રજૂ કરવાની વાત કરી. પણ તેમણે હાલ આ સંસ્થાના બિલ્ડીંગમાં મજૂરો રહેતા હોવાની વાત નકારી હતી, જે એકદમ ખોટી વાત છે, કારણ કે દરેક રૂમમાં પરપ્રાંતીય મજૂરો ભાડે વસવાટ કરી રહ્યાં છે.








