રણાસણમાં લોન ન લેવા છતાં બેંકે મકાન કર્યું સીલ, પરિવાર મુકાયો મુશ્કેલીમાં
સાબરકાંઠા જિલ્લાના રણાસણમાં કોઈપણ પ્રકારની લોન ન લેવા છતાં બેંક દ્વારા કોર્ટનો ઓર્ડર

સાબરકાંઠા જિલ્લાના રણાસણમાં કોઈપણ પ્રકારની લોન ન લેવા છતાં બેંક દ્વારા કોર્ટનો ઓર્ડર આગળ ધરી મકાન સીલ કરી દેવાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે આજે 1988થી પોતાના મકાનમાં રહેતા ગૃહસ્થના ઘરે AU સ્મોલ ફાઇનાન્સના કર્મચારીઓ પોલીસ કાફલા સાથે આવી મકાનની સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ભારે ખળભળાટ સર્જાયો હતો.
જોકે બેંકના અધિકારીઓએ આ મામલે કોઈપણ પ્રકારની વિગતો ન જણાવતા કોર્ટ દ્વારા મકાન સીલ કરવાના આદેશના પગલે કામ કરતા હોવાની વાત કરી સ્થાનિક પોલીસ કર્મચારીઓને આગળ કર્યા હતા. જોકે 1988થી આજદિન સુધી કોઈપણ બેંકની કોઈપણ લોન ન લેનારા ચંદુભાઈ પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ‘મારી મિલકતમાં આજદિન સુધી કોઈપણ પ્રકારની લોન લેવાય નથી તેમ જ મારા દસ્તાવેજના આધારે કોઈ લોન લીધી હોય તેવું ધ્યાનમાં નથી.” ત્યારે બેંકના કર્મચારીઓએ કોર્ટના આદેશને આગળ ધરી તાત્કાલિક ધોરણે મકાનને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે મકાનને સીલ મરાતા પરિવારજનોને રોડ ઉપર આવી જવાનો વારો આવ્યો છે.
સામાન્ય રીતે કોઈપણ બેંક લોન આપે ત્યારે જે તે મિલકતની ખરાઈ કરતું હોય છે. જોકે સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે દોઢ વર્ષ અગાઉ ગામતળની જમીનમાં મકાન ઉપર એ.યુ ફાઈનાન્સ નામની ખાનગી બેંક દ્વારા લાખો રૂપિયાની લોન અપાઈ હતી. ગ્રામ પંચાયતથી લઈ પ્રાંત કચેરી સુધી તમામ દસ્તાવેજ બોગસ તેમજ ખોટા રજૂ કરાયાનું પ્રાથમિક ધોરણે બહાર આવી રહી છે. કોઈપણ પ્રકારની લોન ન લેનારા ચંદુભાઈ પટેલને આજે પોતાની મિલકત ઉપર બેંક દ્વારા સીલ લગાવવામાં આવ્યું છે, ત્યારે બેંકના અધિકારીઓએ કોઈપણ પ્રકારની મકાન માલિકની વાત સાંભળ્યા વિના કોર્ટના આદેશનું પાલન કરવા મામલે માનવતા પણ ભૂલ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. એક તરફ છેલ્લા 40 વર્ષથી કોઈપણ પ્રકારની લોન ન લેનારા ચંદુભાઈ પટેલની હાજરીમાં જ બેંકમાં પોતે બાકીદાર હોવાના પગલે કોર્ટે મકાન જપ્તીનો આદેશ કરાતા મકાનની સીલ કરી દેવાય છે, ત્યારે સ્થાનિક પરિવારજનો પણ આ મામલે ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
એક તરફ ભારત સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિને બેંક સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો બીજી તરફ આજે પણ ખાનગી બેંકો દ્વારા બોગસ તેમજ ખોટા દસ્તાવેજના આધારે સાચા માણસોને પરેશાન કરાતા હોય તેવો ઘાટ સર્જાયો છે.
જોકે કોઈ પણ પ્રકારની લોન ન લીધી હોય છતાં ખાનગી બેંક દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી વગર મકાન સીલ કરી દેવાની ઘટનાથી બેંકના અધિકારીઓ સહિત લોન કરનારાઓએ પણ જાગૃત બનવું પડે તો નવાઈ નહીં.








