Banaskantha news: 1500 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત, બ્રાન્ડના નામે ઘી બનાવીને અન્ય રાજ્યોમાં વેચાણ કરાતું

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. 1513 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો છે. જૈનમ બ્રાન્ડના નામે પરવાના વગર ગેરકાયદે ધંધો ચાલતો હતો. રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ સીઝ કરી અને આઠ નમૂના લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
હાલ તો ફૂડ વિભાગની ટીમે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ગુડલક એસ્ટેટમાં આવેલી આ ફેક્ટરીમાં કોઈ પરવાનગી વગર ગેરકાયદે ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે.
બ્રાન્ડના નામે ઘી બનાવીને અન્ય રાજ્યોમાં વેચાણ કરાતું
‘ખુશ્બુ એન્ટરપ્રાઇઝ’ પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં કલર, એસેન્સ, સોયાબીન તેલ, પામોલીન તેલ અને વનસ્પતિનો ઉપયોગ કરીને નકલી ઘી બનાવાતું હોવાનું બહાર આવ્યું. ‘જૈનમ’ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને અન્ય રાજ્યોમાં વેચાણ કરાતું હતું. સ્થળ પરથી 1513 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો, જેની કિંમત અંદાજે રૂ. 3.67 લાખ થાય છે. વિભાગ દ્વારા કુલ 8 નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

