VIDEO: ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમ, ગૌ માતાના નામે લોકો પાસેથી 100 કરોડથી વધુ ખંખેર્યા; સાત લોકો સામે ફરિયાદ
ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી કૌભાંડો આચરી લોકો પાસેથી રુપિયા પડાવવાનો સિલસિલો યથાવત છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે પોલીસે લાલ આંખ કરી આકરું વલણ અપનાવ્યું છે. જાગૃત નાગરિક દ્વારા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, ગૌશાળા આશ્રમના શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવે છે. જેને પગલે થરાદ પોલીસ મથક દ્વારા લકી ડ્રો નામે ચાલતા ગોરખ ધંધા કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
આ પણ વાંચો : રાજકોટમાં અસલી કરતા નકલી પોલીસની બોલબાલા, બે દિવસમાં જ 5 'નકલી પોલીસ' ઝડપાઇ
થરાદના ડેડુવા ગામ આવેલ સુમારપુરી ગૌશાળામાં થોડા મહિના પહેલા લક્કી ડ્રોનું આયોજન થયું હતું જેમાં આયોજક સામે ગુનો દાખલ કરાયો છે. લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચ આપી આયોજકો માત્ર રૂ.299 અને રૂ.399માં ટિકિટનું વેચાણ કરે છે. આમ કરી સંતો, આગેવાનો, ગૌમાતાના નામે ડ્રો અને લોભામણી જાહેરાતો કરી આયોજકોની ટોળકીએ લોકો પાસેથી 100 કરોડથી વધુની રકમ પડાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના DYSP S.M. વારોતરીયા પોતે ફરિયાદી બન્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે નોંધાયો ગુનો છે. થરાદ પોલીસે અલગ અલગ બે લક્કી ડ્રોનું આયોજન કરનાર સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદી નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લોકો પોતાના કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં આવીને લકી ડ્રોની ટિકિટો ખરીદે છે.

