રાજ્યમાં વધુ એક કુકર્મની ઘટના, આણંદમાં ગરબા રમવા ગયેલી સગીરાને નશો કરાવી સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ
મહિલાઓ માટે સલામત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. વડોદરા ભાયલી 11 સાયન્સની વિદ્યાર્થ

મહિલાઓ માટે સલામત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. વડોદરા ભાયલી 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે થયેલ સામૂહિક દુષ્કર્મના આરોપીઓ આજે પકડાયા છે ત્યારે ગત રાત્રે આણંદ નજીકના બેડવા ગામ પાસેના વલ્લીપુરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો પ્રયાસ થયો હતો. ગત મોડી રાતની ઘટના બાદ સગીરાને સારવાર અર્થે વડોદરા ખસેડાઇ છે.
રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસમાં જ દુષ્કર્મની અનેક ઘટનાઓ બની છે. દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા અને સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી. ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે.
જણાવી દઈએ કે આણંદ નજીકના બેડવાના વલ્લીપુરામાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. વલ્લીપુર સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ જ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ યુવકોએ સગીરાને નશો કરાવીને સરકારી શાળામાં લઇ જઇ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરા સભાન હોવાથી બૂમો પાડતાં ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
સગીરાએ સમગ્ર ઘટનાની ઘરે જાણ કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખંભોળજ પોલીસે સંજય, સોમાભાઈ અને પ્રીતમ નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઇ છે.






