Surat News: સ્વામિનારાયણ ગુરુકુલમાં અંતર્ધાન મહોત્સવ, ભગવાનને ગંગાજળ તથા પંચામૃતથી અભિષેક કરાયો
સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામગમનના દિવસે ગુરૂકુલમાં શ્રીમદ સત્સંગિજીવનની કથાનો પ્રારંભ કરાયો છે. તે પૂર્વ ઉત્સવના

સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામગમનના દિવસે ગુરૂકુલમાં શ્રીમદ સત્સંગિજીવનની કથાનો પ્રારંભ કરાયો છે. તે પૂર્વ ઉત્સવના મુખ્ય યજમાન કમલેશ ભગત કુંભાણીના નિવાસ સ્થાનેથી પોથીયાત્રા નીકળી હતી. પ્રથમ વખત કથા પારાયણ કરી રહેલા વક્તા સંતો શાસ્ત્રી હરિકીર્તનદાસ સ્વામી, શાસ્ત્રી પ્રેમનંદન સ્વામીને મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજીએ હાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યાં હતાં. ગંગાજી પૃથ્વી પર પધાર્યાના પાવન પર્વે નીલકંઠ હવેલીમાં ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી વગેરે સંતોએ નીલકંઠ પ્રભુને ગંગાજળ તેમજ પંચામૃત, પુષ્પ પાંખડીથી અભિષેક કર્યો હતો.
જેઠ સુદ દશમને મંગળવાર તારીખ 1-6-1830 ના મધ્યાન્હ પૂર્વે થોડીવારે સ્વતંત્ર થકા અક્ષરધામ સીધાવ્યા હતાં. આ દિવસને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ભક્તો ધૂન કીર્તન તેમજ ભગવાનના લીલા ચરિત્રોને યાદ કરી ઉજવાય છે.આ પ્રસંગે પ્રભુસ્વામીએ કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસેની છપૈયા છે. પરંતુ, તેમની કર્મભૂમિ ગુજરાત રહી છે. બોટાદ જિલ્લાના ગઢડામાં રહીને તેમણે તથા તેમના 3000 ઉપરાંત સંતોએ વિશેષ કરીને ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરે પ્રદેશોમાં વિચરણ કર્યું. લોકોને અંધશ્રદ્ધા અને વ્યસનમુક્ત કરી સદાચારી જીવન જીવતાં કર્યા હતાં.
હથિયાર તથા કાયદા વિના વિવિધ સમાજના 1,75,000 લોકોની કાયાપલટ થયાની ખબર મુંબઈ સ્થિત અંગ્રેજ ગર્વનર સર માલ્કમ સાહેબને મળ્યાં હતાં. ખાસ રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણને મળવા મુંબઈથી આવ્યાં હતાં. ત્રીસ વર્ષમાં અમદાવાદ, ભૂજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડામાં શિલ્પ સ્થાપત્યના નમૂના રૂપ છ મંદિરો બનાવેલા. આશ્રિતોને જીવન જીવવા શિક્ષાપત્રીરૂપી નાનક્ડો ૨૧૨ શ્લોકનો ગ્રંથ પોતે જ લખી આપેલો. સત્સંગિજીવન , બ્રહ્મસુત્ર,રામાનુજ ગીતા ભાષ્ય જેવા ગ્રંથો સંતો પાસે રચાવ્યા. જુદા જુદા સ્થાનોમાં ૧૩ વર્ષથી ૬૩ વર્ષના સંતો હરિભકતો અને સ્વયં સ્વામિનારાયણ ભગવાન વચ્ચે પ્રશ્નોત્તરી કથાવાર્તા થઈ હતી. તે ૬૨૧ પ્રશ્નોતરી ચાર સંતોએ લખી લીધેલ. જે વચનામૃત રૂપી ગ્રંથનું આજે પણ વાચન શ્રવણ તથા કથા વિવેચન સહુ ભાવિકોના ઘરે તથા મંદિરોમાં થાય છે.
સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામ જતા પૂર્વે સંતોને કહેલું કે મારે હવે કંઈ કરવાનું રહ્યું નથી. બધું જ કાર્ય કરી લીધેલું છે. મેં બાંધેલા નિયમો પ્રમાણે વર્તનારને મૃત્યુ સમયે હું મારા ધામમાં લઇ જવા તેડવા આવીશ. એટલું કહીને આજથી ૧૯૪ વર્ષ પહેલા ગઢડામાં પોતાના કાયમી નિવાસસ્થાન રૂપ અક્ષર ઓરડીમાંથી મનુષ્ય જેવું શરીર છોડી ૪૯ વર્ષની ઉંમરે જીવન લીલા સંકેલી અક્ષરધામ સિધાવેલા.








