મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar/ વિચિત્ર કિસ્સો: ચાલુ ઇલેક્ટ્રિક બાઇકમાં જોરદાર કરંટ લાગતા વૃદ્ધના દાંત ખરી પડ્યા!

જામનગર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને વિચિત્ર કિસ્સો પ્રકાશમા

જામનગર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા કમલેશભાઈ આંગડીયા નામના વૃદ્ધ પોતાની ઇલેક્ટ્રિક બાઇક (e-Bike) લઈને જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇકમાંથી શોર્ટ લાગતા એક ગંભીર દુર્ઘટના બની હતી.

શોર્ટ લાગ્યો અને મોઢામાંથી દાંત પડી ગયા!

મળતી માહિતી મુજબ, કમલેશભાઈ જ્યારે એપલ ગેઈટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને ચાલુ બાઇકે વીજ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો. આ આંચકો એટલો તીવ્ર હતો કે તેમના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને જોતજોતામાંબે દાંત ખરી પડ્યા હતા જ્યારે એક દાંત તૂટી ગયો હતો.

ડેન્ટલ નિષ્ણાતો પણ આશ્ચર્યમાં

ઘટના બાદ વૃદ્ધને તાત્કાલિક જીજી હોસ્પિટલ અને ત્યારબાદ ડેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડેન્ટલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડીન ડો. રીટા ઝાએ જણાવ્યું હતું કે, "આવો કેસ પહેલીવાર સામે આવ્યો છે." જોકે, તબીબો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ શોર્ટ લાગ્યા બાદ બાઇક પરથી નીચે પટકાવાને કારણે ઈજા થવાથી દાંત પડી ગયા હોઈ શકે છે.

ઇલેક્ટ્રિક બાઇક ચાલકોમાં ફફડાટ

આ ઘટનાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરતા ઇલેક્ટ્રિક વાહનો વાપરતા લોકોમાં ચિંતા અને ચર્ચા વ્યાપી ગઈ છે. ઇલેક્ટ્રિક વાહનોમાં સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો