Video: અમરેલીના લાઠીમાં પાણીદાર દાવા પાણી વગરના સાબિત થયા, યોજના છે પણ નદી કોરી ધાકોર

સરકારે ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યાં પરંતુ તેથી વધુ જિલ્લાઓમાં વરસાદની અછત છે. અને તેમના માટે કોઈ જાહેરાત થઈ નથી. અમરેલીમાં પણ ઘણા તાલુકાઓમાં વિકટ સ્થિતિ છે. લાઠી તાલુકાના કેરીયા સહિત આસપાસના ગામોના ખેડૂતો રવિ પાક બચાવવા માટે સૌની યોજના હેઠળ ગાંગડીયો નદીમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ઓછા વરસાદને કારણે નદીમાં પાણીનું એક ટીપું પણ બચ્યું નથી, જેનાથી સિંચાઈની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂતો અનુસાર સુજલામ સુફલામ યોજના હેઠળ ગાંગડીયો નદીને ઊંડી અને પહોળી કરી બંધારા બાંધવામાં આવ્યા છે. નદીનો સૌની યોજનામાં સમાવેશ હોવા છતાં લુણકીથી પાણી છોડાતું હોવાથી તે કેરીયા સુધી પહોંચતું નથી. જો યોગ્ય વ્યવસ્થા કરીને આ નદીમાં પાણી છોડવામાં આવે, તો કેરીયા ઉપરાંત પીપરીયા, દેવળીયા, હડતાળા, ગોવિંદપરા અને વાંડલીયા સહિતના ગામોના સેંકડો ખેડૂતોને સીધો લાભ મળી શકે છે. અછતગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્પષ્ટ માનવું છે કે યોજના કે નિર્ણય કોઈ પણ હોય પરંતુ તે સમયસર મળે તો કામનું. આવી જ સ્થિતિ લાઠી તાલુકાની છે. માગ અને વિરોધ વચ્ચે સ્થાનિક નેતાગીરિનું પણ પાણી મપાઈ રહ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.














