Amreliમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ ખસેડ્યો

સોર્સ : GSTV
સાવરકુંડલા નજીક આવેલા સુપ્રસિદ્ધ માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે. માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ લક્ષણો દેખાતાની સાથે જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક અસરથી વિદ્યાર્થીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
કોંગો ફીવરના નિદાનની પુષ્ટિ કરવા માટે વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ લઈ લેબોરેટરી મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ આ કેસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે. ઉપરાંત પશુ વિભાગની એક ટીમ માનવ મંદિર પહોંચીને ત્યાં આવેલી ગૌશાળામાં રહેતા પશુઓની પણ તપાસ હાથ ધરશે. પશુઓમાં ચેપના કોઈ લક્ષણો છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવશે.

