Amreli News:'આપ' નેતાને અપશબ્દો બોલનાર ચેતન ધાનાણીને ભાજપે આપ્યું ઇનામ? બનાવ્યા યુવા મોરચા પ્રમુખ

ગુજરાતમાં અમરેલી જિલ્લામાં ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે અગાઉ તાલુકા પ્રમુખ તરીકે વિવાદિત રહેલા ચેતન ધાનાણીની નિમણૂંક કરી છે. તાલુકા પ્રમુખ રહેતા ચેતન ધાનાણીની ગ્રામજનોને AAPની સભામાં જવા મુદ્દે અપશબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. બાદમાં ચેતન ધાનાણી વિરુદ્ધ ગુનો નોંધાતા તાલુકા પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું. હવે ભાજપે ફરી તેમને જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે.
શિસ્તબદ્ધ પાર્ટીની અશિસ્તતા?
ભાજપે અમરેલી સંગઠનની જાહેરાત કરતાં પાર્ટીમાં વધુ એક ચર્ચા છેડાઈ છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીએ વિવાદિત નેતાને જિલ્લા સંગઠનમાં અગ્રણી સ્થાન આપ્યું છે. અમરેલીના ચેતન ધાનાણીને યુવા મોરચા પ્રમુખ બનાવાયા છે.
ચેતન ધાનાણી પર લાલાવદર ગામના એક દલિત યુવકને અપમાનિત કરી, ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. તે પછી તેમણે તાલુકા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં અમરેલીના લાલાવદર ગામના કેટલાક લોકો હાજરી આપવા ગયા હતા. આ વાતની જાણ થતાં તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી નારાજ થયા હતા.
ચેતન ધાનાણીએ લાલાવદર ગામના મહેશભાઈ ઉર્ફે જિગાભાઈ ભાનુભાઈ માધડના મોબાઈલ ફોન પર ફોન કરીને 'આપ'ની સભામાં જવા મુદ્દે ઉગ્ર ઠપકો આપ્યો હતો. વાતચીત દરમિયાન તેઓએ મહેશભાઈને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ધમકીભરી વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ગરમાયો હતો.

