અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર, યુવતીની કબૂલાત- પોલીસે કોઈ હેરાનગતિ નથી કરી
અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જામીન પર બહાર

અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જામીન પર બહાર આવેલી પાટીદાર યુવતીએ પોતે પત્રકાર પરિષદ યોજી હતી અને ન્યાયની માંગણી કરી હતી. ત્યારે હવે આ મામલે મળતા અહેવાલો પ્રમાણે યુવતીએ કોર્ટ સમક્ષ જામીન પ્રક્રિયા દરમિયાન આપેલી જુબાનીમાં સ્વીકાર કર્યો હતો કે, પોલીસ સામે કોઇ ફરિયાદ નથી અને પોલીસે કોઇ દબાણ પણ નથી કર્યું. યુવતીનું આ નિવેદન સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
'સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું'
અમરેલીમાં લેટરકાંડ કેસમાં જેલમુક્ત થયા બાદ સૌપ્રથમ વખત પાટીદાર યુવતીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'કૌશિક વેકરિયા, સીએમને કહેવા માગુ છું કે સમાજની દીકરીની આવી રીતે ઈજ્જત ન ઉછાળાય, હું ન્યાય ઈચ્છુ છું. લેટરકાંડમાં પત્રની FSL તપાસ કરવામાં આવે. મેં કોઈ ગુનો નથી કર્યો, પરંતુ પોલીસે મને માર માર્યો હતો અને જાહેરમાં મારુ અપમાન થયું છે.'
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી.






