અમરેલી ACBનો મોટો સપાટો: PASA ન કરવાના 3 લાખ લેતા PSIનો વચેટિયો ઝડપાયો, PSI અને કૉન્સ્ટેબલ ફરાર
Amreli news: અમરેલી જિલ્લામાં ભ્રષ

Amreli news: અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB) એ મોટી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI અને કોન્સ્ટેબલ વતી રૂપિયા 3 લાખની લાંચ લેતા એક વચેટિયાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં સંડોવાયેલા PSI આર.એમ. રાધનપરા અને પોલીસ કોન્સ્ટેબલ આશિષસિંહ ઝાલા હાલ ફરાર થઈ ગયા છે.
મળતી વિગતો મુજબ, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં આરોપી સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી ન કરવાના બદલામાં PSI રાધનપરા અને કોન્સ્ટેબલ આશિષસિંહ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ સ્વીકારવા માટે તેમણે આરીફઅલી રવજાણી નામના વ્યક્તિને વચેટિયા તરીકે મોકલ્યો હતો.
રાજુલામાં ગોઠવાયું છટકું
ફરિયાદીની જાણકારીના આધારે એસીબીએ રાજુલાની જાણીતી સહયોગ હોટેલ પાસે છટકું ગોઠવ્યું હતું. જેવો આરીફઅલી રવજાણી રૂપિયા 3 લાખની રોકડ રકમ લેવા પહોંચ્યો, ત્યારે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. આ કાર્યવાહીની ગંધ આવતા જ PSI અને કોન્સ્ટેબલ નાસી છૂટ્યા છે. એસીબીએ વચેટિયાની ધરપકડ કરી ફરાર પોલીસ અધિકારીઓની શોધખોળ તેજ કરી છે.






