AMCમાં ભરતી કૌભાંડ : ખોટા માર્કના આધારે નોકરીએ લાગેલી બે યુવતી પૂર્વ અને વર્તમાન કર્મચારીની સંબંધી
અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં

અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો છે ત્યારે તેમાં ખોટા માર્ક્સ દ્વારા નોકરી મેળવનાર બે ઉમેદવારો કોર્પોરેશનના પૂર્વ અને વર્તમાન કર્મચારી ના સંબંધી હોવાનું સામે આવ્યું છે.
તમન્ના કુમારી પટેલના પિતા હાલમાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવ છે, જયારે મોનિકા લિમ્બાચીયા ભૂતપૂર્વ એસ્ટેટ ઓફિસર પ્રકાશ લીમ્બાચીયાના પુત્રવધુ હોવાનું સામે આવ્યું છે.
આ ભરતી કૌભાંડના મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા પુલકિત સથવારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાઈ રહી છે જેમાં વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે.
કૌભાંડના મુખ્ય આરોપી સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ખાતાની સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર)ની 93 જગ્યા ભરવા માટે તા.15/03/2024એ જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેની પરીક્ષા તા. 18/08/2024એ લેવામાં આવી હતી. આ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે અરજી ક્રમાક નં.569 નામ: તમન્નાકુમારી દિનેશભાઈ પટેલ તથા અરજી ક્રમાક નં.3206 નામ: મોનલ હીરેન લીમ્બાચીયા તથા અરજી ક્રમાક નં.11824 નામ: જય અશોકભાઈ પટેલ નામના ઉમેદવારોના અનુક્રમે માર્ક્સ 77 તથા 85 તથા 85.25 હોવાની જાણ થઇ હતી. પરીક્ષા લેનાર સંસ્થા પાસેથી મંગાવેલા ડોક્યુમેન્ટમાં આ ઉમેદવારોના માર્કસ અનુક્રમે 18.50 તથા 18.25 તથા 19.25 હોવાની વિગતો સામે આવી હતી.
આ કૌભાંડ આચરનાર આરોપી AMCનો હેડ કલાર્ક પુલકીતભાઈ સી. સથવારા છે, જે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકલનમાં રહી તેમજ અમદાવાદ મહાનગરપાલિકાની ઈન્ટરવ્યુ બ્રાન્ચની વેબસાઈટ તથા કોમ્પ્યુટર સબંધિત ભરતીલક્ષી કામગીરી કરતો હતો.
આરોપી દ્વારા આ ત્રણેય ઉમેદવારો કે જેમનો મેરીટમાં સમાવેશ નહતો છતાં પણ ઇરાદાપુર્વક તેઓને ખોટી રીતે નોકરી અપાવવા અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર અપલોડ કરતા પહેલા આ ઉપરોક્ત ત્રણેય ઉમેદવારોના માર્ક્સમાં સુધારા કરી દીધા હતા, જે બાદ ખોટા રીઝલ્ટ જેવો બનાવટી દસ્તાવેજ ઉભો કરી તેને અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર અપલોડ કરી ગેરલાયક ઉમેદવારોને નોકરી અપાવી દીધી હતી.
આરોપી રાજ્ય સેવક તરીકેની ફરજમાં ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપીંડી ભર્યુ કૃત્ય કરી ત્રણ લાયક ઉમેદવારોને નોકરીથી વંચિત રાખ્યા હતા. સમગ્ર મામલે કારંજ પોલીસે આરોપી AMCના હેડ કલાર્ક પુલકીતભાઈ સી. સથવારા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








