મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂથડ ગામે પાણીના બોરમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો, તપાસના આદેશ

જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામે આશરે 20 લાખ રૂપિયાના ખર્ચે કરાયેલા બોરવેલનાં કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, કેટલાક બોરમાં નક્કી કરેલી ઊંડાઈ સુધી ખોદકામ કરાયું નથી, જ્યારે ક્યાંક મોટર, કેબલ અને વીજ જોડાણની પણ સુવિધા નથી. ગામના રહેવાસી સુરેશ ડાકીએ પાંચથી આઠ બોરના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી તટસ્થ તપાસની માગ કરી છે. સરકારી નાણાં ખર્ચવા છતાં પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો વચ્ચે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. 

બોરવેલનાં કામોમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે તાલુકા વિકાસ અધિકારી દેવાભાઈ કોડિયાતરે સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા મુજબ, કચેરી દ્વારા માત્ર બે બોરનાં જ બિલ મંજૂર કરવામાં આવ્યાં છે. અન્ય બોર કોઈએ સ્વખર્ચે બનાવ્યા હોય તો તેની જાણ કચેરીને નથી અને તેનાં બિલ મંજૂર કરાશે નહીં. જોકે, અરજદાર સુરેશભાઈ ડાકીને સાથે રાખીને સમગ્ર મામલે સઘન તપાસ કરવામાં આવશે. તપાસના અંતે નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ અધિકારીએ આપી છે.

આ સમાચાર શેર કરો