Video: ગાંધીનગરના માણસાના વરસોડા ગામે ગરબામાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા મુદ્દે ખેડૂત પર ફાયરિંગ: ત્રણ રાઉન્ડ ગોળીબારમાં ઇજાગ્રસ્ત

ગાંધીનગર માણસા તાલુકાના વરસોડા ગામે ગરબામાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા મુદ્દે થયેલી તકરારની અદાવતમાં એક ખેડૂત પર ઘાતક હુમલો અને ફાયરિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. ખેડૂત અરવિંદસિંહ ચાવડાના ઘર પાસે આઠ જેટલા શખ્સો લોખંડની પાઇપો અને ધારિયાં જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આક્ષેપ મુજબ હુમલાખોરોએ ખેડૂત પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે રાઉન્ડ નિશાન ચૂકી ગયા હતા પરંતુ ત્રીજા રાઉન્ડમાં ગોળી જમણા પગમાં વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉની તકરાર બાબતે પોલીસને જાણ કર્યાની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું મનાય છે. ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માણસા પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





