IIM અમદાવાદમાં તેલંગાણાના વિદ્યાર્થીના આપઘાત કેસમાં યોગ્ય તપાસ ન થયાના પિતાના આક્ષેપ
IIM અમદાવાદમાં અભ્યાસ કરતા તેલંગાણાના એક વિદ્યાર્થીએ ગત 26મી સપ્ટેમ્બર

IIM અમદાવાદમાં અભ્યાસ કરતા તેલંગાણાના એક વિદ્યાર્થીએ ગત 26મી સપ્ટેમ્બરે ન્યુ કેમ્પસની હોસ્ટેલ બિલ્ડીંગના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે પોલીસે તપાસ પણ શરૂ કરી હતી. પણ મૃતક વિદ્યાર્થીના પિતાની ફરિયાદ સાથે આક્ષેપ છે કે તેના પુત્રના આપઘાતની તપાસ યોગ્ય રીતે નથી થઈ અને IIM અમદાવાદ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરાઈ નથી.
મારા પુત્રને ઈન્સ્ટિટ્યુટના ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર દ્વારા માનસિક ત્રાસ અપાયો - મૃતકના પિતા
IIM અમદાવાદમાં પીજીપી એમબીએ અભ્યાસક્રમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા તેલંગાણાના વિદ્યાર્થી અક્ષિત ભુક્યાની આત્મહત્યાના કેસને લઈને તેના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતક વિદ્યાર્થીના પિતા હેમંત ભુક્યાએ મીડિયાને સંબોધીને લખેલા પત્રમાં અને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે મારા પુત્રને ઈન્સ્ટિટ્યુટના ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર દ્વારા માનસિક ત્રાસ અપાયો હતો અને જેના લીધે મારા પુત્ર અક્ષિતે આત્મહત્યા કરી છે. આટલી ગંભીર ઘટના છતાં પણ આ કેસમાં સંતોષકારક રીતે યોગ્ય તપાસ થઈ નથી.જેથી આ મુદ્દે એસીપીને પણ લેખિત ફરિયાદ મેં આપી છે.
IIM અમદાવાદ દ્વારા અમને કોઈ પણ પ્રકારની મદદ કરવામા આવી નથી, કેસને દબાવવાનો પ્રયાસ - મૃતકના પિતા
આ ઉપરાંત મૃતક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે IIM અમદાવાદ દ્વારા અમને કોઈ પણ પ્રકારની મદદ કરવામા આવી નથી. ફીથી માંડી અન્ય કોઈ પણ મુદ્દે અમને મદદ કરવામા આવી નથી કે ડિરેક્ટરનું નામ અને સંપર્ક નંબર પણ અમને કોઈ આપતુ નથી. અમે કોને કઈ રીતે ક્યાં ફરિયાદ કરવી તે પણ કોઈ અમને કહેતુ નથી. મારા પુત્રએ વધુ પડતા ત્રાસથી જ આત્મહત્યા કરી છે જેથી આ મુદ્દે જો યોગ્ય તપાસ થાય તે જરૂરી છે પરંતુ આ કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ આ અંગે આઈઆઈએમએના ડિરેકટરને પુછવા માટે ટેલિફોનિક સંપર્ક કરાયો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડયો ન હતો.








