મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadના ગોમતીપુરમાં SIR દરમિયાન ગેરરીતિના આક્ષેપ, વર્ષોથી રહેલા મતદારોના નામ કાપ્યાનો આક્ષેપ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત મોટા પાયે ગેરરીત

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. ગોમતીપુરના મહિલા કોર્પોરેટર રૂકસાના ઘાંચીએ આક્ષેપ કર્યો છે કે, વર્ષોથી એક જ સ્થળે રહેતા લઘુમતી મતદારોના નામ જાણીજોઈને મતદારયાદીમાંથી કાપવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે.

કોર્પોરેટરના પરિવારના સભ્યોના નામ પણ કમી કરાયા

આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે ખુદ કોર્પોરેટર રૂકસાના ઘાંચીના પરિવારના 5 થી 7 સભ્યોના નામ મતદારયાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 (નામ કમી કરવાની અરજી) ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે જે લોકો 46 વર્ષથી એક જ સ્થળે રહે છે, તેમને ‘સ્થળાંતરિત દર્શાવીને તેમના નામ યાદીમાંથી દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ ઘટનાને પગલે કોર્પોરેટર રૂકસાના ઘાંચી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, બુથ નંબર 17 માં આશરે 4500 જેટલા મતદારો હયાત હોવા છતાં ખોટી રીતે સ્થળાંતરના નામે ફોર્મ ભરાયા છે. કુલ 112 લોકોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે અને એક જ વ્યક્તિ દ્વારા અનેક લોકો સામે વાંધા અરજીઓ કરવામાં આવી છે, જે શંકાસ્પદ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમણે બુથ લેવલ એજન્ટ (BLA) થી માંડીને કલેક્ટર સુધી આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. મતદારોના મૂળભૂત અધિકાર પર તરાપ મારવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરીને સ્થાનિકોએ ન્યાયની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો