Video: ચાંગોદરમાં ફેક્ટરીમાં આગથી શ્રમિકનું મોત

અમદાવાદના ચાંગોદરમાં મટોડા પાટીયા નજીક ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક શ્રમિકનું મોત થયુ છે. રાત્રે આગની જાણ થતાં જ અમદાવાદ, બોપલ, પ્રહલાદનગર, બાવળા, ધોળકા અને સાણંદ ફાયર સ્ટેશનથી ફાયરની 16 જેટલી ગાડીઓ અને ચાંગોદર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 35 થી 40 જેટલા કર્મચારીઓ હાજર હોવાથી ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં ફાયર વિભાગના 35 જેટલા કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ કરતા મૂળ ઉત્તર પ્રદેશના બારાબંકીના રહેવાસી સર્વેશ વિશ્વકર્મા નામના એક કામદારનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ, ચોકલેટ પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા પૂંઠાના જથ્થાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. આ દુર્ઘટનામાં ફેક્ટરી સંચાલકોની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ફેક્ટરીમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનોનો સદંતર અભાવ હતો અને ઈમર્જન્સી એક્ઝિટ ગેટ પણ ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.







