VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસ્સલ ગુજરાતી મિજાજમાં પતંગ ચગાવી, પોલીસ લાઈનનું કર્યું ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી ગુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી ગુજરાતમાં કરી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્યાર બાદ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનના 920 આવાસો માટે ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પણ વાંચોઃ VIDEO: 'આજે તો બધા ગુજરાતીઓ ધાબા ઉપર જ હશે, મને પણ શોખ',IMDના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહી આ વાત
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈનનું નિર્માણ અમદાવાદમાં થશે. ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર રહેતા કર્મનિષ્ઠ પોલીસકર્મીઓના પરિવારોને માટે 2-BHK (૫૫ ચો.મી.) આવાસ ઉપલબ્ધ થશે.
જણાવી દઈએ કે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનવાનાં છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અદ્યતન પોલીસ લાઈનમાં પોલીસકર્મીઓના પરિવારને 930 કાર માટેનું બેઝમેંટ પાર્કિંગ, બે લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર રૂફટોપ, ઇલેક્ટ્રિસિટી બેકઅપ સહિતની ઉત્તમ અને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.
જીવન-જરૂરી સામાન ઘર આંગણે જ મળી રહે તે માટે ટાવરમાં 10 દુકાનો પણ બાંધવામાં આવશે. જ્યાં રોજબરોજની ચીજવસ્તુઓ જેમકે, શાકભાજી, દૂધ તથા તેની બનાવટની અન્ય સામગ્રીઓ, હેર-સલૂન, એ.ટી.એમ., અનાજ દળવાની ઘંટી તથા પોલીસ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અહીં CPC કેન્ટિન પણ તૈયાર કરવાનું આયોજન છે. 13 માળના 18 ટાવરમાં પ્રાથમિક સુવિધાઓ જેમકે, રસોડું, એક અટેચ અને એક કોમન ટોઇલેટ તથા અન્ય સુવિધાઓ સાથે ફર્નિશ્ડ આવાસ આપવામાં આવશે.
રાજ્યમાં શહેર પોલીસ તંત્રની સૌથી મોટી પોલીસ લાઈનની વિશેષતા છે કે ઈનબિલ્ડ પોલીસ સ્ટેશન, જે 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં બે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સહપરિવાર જગન્નાથજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરમાં આરતી અને દર્શન કર્યા બાદ ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમની સુરક્ષાના ભાગરૂપે તથા જાહેર જનતાને કોઈપણ નુકસાન ન પહોંચે તે માટે માનવરહિત રિમોટ સંચાલિત ડ્રોન, નાના વિમાન જેવા ઉપકરણો સંશોધન અથવા એરોસ્પોટમાં ઉપયોગમાં લેવાતાં સાધનોના ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.




