અમદાવાદમાં ડ્રગ્સનો મોટો ખેલ! કાલુપુર રેલવે સ્ટેશન પર ૧૭ લાખના ગાંજા સાથે ઓરિસ્સાના બે શખ્સો ઝડપાયા

અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓનું ટાર્ગેટ બન્યું છે. પુરી-ગાંધીધામ ટ્રેન દ્વારા ઓરિસ્સાથી અમદાવાદ ગાંજાની મોટી ખેપ ઘૂસાડવાના પ્રયાસને રેલવે પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે બાતમીના આધારે લાખોના મુદ્દામાલ સાથે બે યુવકોને દબોચી લીધા છે.
રેલવે એસઓજીની ટીમે વોચ ગોઠવી
પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન જેવી જ કાલુપુર સ્ટેશન પર આવી કે રેલવે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. પોલીસને મળેલી બાતમી મુજબ, કેટલાક પેસેન્જરો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા હતા. આ દરમિયાન બે યુવકો બે મોટા થેલા લઈને પ્લેટફોર્મ પર ઉતર્યા હતા. પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો બંને થેલા મૂકીને ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ સતર્ક પોલીસે તેમને ઝડપી લીધા હતા.
બન્ને થેલામાંથી ૩૪ કિલો ગાંજો મળી આવ્યો
પોલીસે જ્યારે તપાસ આદરી ત્યારે બન્ને થેલામાંથી ૩૪ કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ૧૭ લાખ રૂપિયા થાય છે. પકડાયેલા બંને આરોપીઓ ઓરિસ્સાના ધેનકેનાલ જિલ્લાના રહેવાસી હોવાનું ખુલ્યું છે, જેમના નામ રાહુલ નાયક અને દિબ્યાદત્તા નાયક છે. પ્રાથમિક પૂછપરછમાં બન્ને યુવાનોએ ખુલાસો કર્યો હતો કે આ ગાંજો તેમને ઓરિસ્સાના જ્યોતિનાયક પિન્કુ નામના વ્યક્તિએ આપ્યો હતો,તે શખ્સે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન પરથી એક શખ્સ આ જથ્થો લેવા આવશે.તો બીજી તરફ બન્ને યુવાનેએ જણાવ્યું કે તેઓ કમિશનના લાલચમાં ડ્રગ્સની હેરાફેરીના ખેલમાં ફસાયા હતા.
રેલવે પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ આ ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર કોણ છે અને આ ગાંજો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં તપાસ વધુ ઝડપી કરી છે.

