ગૂગલ સર્ચમાં ભરોસો પડ્યો ભારે; બોગસ આંગડિયા પેઢીના નામે વેપારી સાથે ₹35 લાખની ઠગાઈ

ગૂગલ સર્ચમાં ભરોસો પડ્યો ભારે; બોગસ આંગડિયા પેઢીના નામે વેપારી સાથે ₹35 લાખની ઠગાઈ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઓનલાઈન સર્ચ એન્જિન પરથી આંગડિયા પેઢીનો નંબર મેળવી નાણાંકીય વ્યવહાર કરવો અખબારનગરના એક વેપારીને ભારે પડ્યો છે. પોન્ડીચેરીથી રૂ. 35 લાખ મંગાવવા જતાં ઠગ ટોળકીએ જાણીતી પેઢીની ખોટી ઓળખ આપી, 10 રૂપિયાની નોટનું બોગસ ટોકન મોકલી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રાજસ્થાનના મુખ્ય સૂત્રધાર સહિતની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અખબારનગર વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા 35 વર્ષીય સૌરભ ભટ્ટને પોન્ડીચેરી ખાતે રહેતા તેમના મિત્ર નવીન પાસેથી રૂ. 25 લાખ મંગાવવાના હતા. આ રકમ આંગડિયા મારફતે મંગાવવા માટે તેમણે ગૂગલ પરથી જાણીતી આંગડિયા પેઢીનો સંપર્ક નંબર મેળવ્યો હતો. ગત તા. 28 અને 29 ઓક્ટોબર દરમિયાન ઠગોએ વોટ્સએપ કોલ કરીને જાણીતી આંગડિયા પેઢીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી હતી.

જાહેરાત

રૂ. 10ની નોટનું બનાવટી ટોકન મોકલી ભેજાબાજોએ નાણાં મેળવી લીધા

મનીષકુમાર નામના શખસે પોન્ડીચેરીથી 10 રૂપિયાની નોટના ટોકન પર રૂ. 35 લાખ રોકડા સ્વીકારી લીધા હતા. ત્યારબાદ ભેજાબાજોએ ફરિયાદી સૌરભ ભટ્ટને વોટ્સએપ પર 10 રૂપિયાની નોટનો એક બનાવટી ટોકન ફોટો મોકલ્યો હતો અને એલિસબ્રિજ ખાતે આવેલી આંગડિયા પેઢીની ઓફિસેથી નાણાં મેળવી લેવા જણાવ્યું હતું. જોકે, ફરિયાદી જ્યારે એલિસબ્રિજ ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં આવી કોઈ રકમ જમા ન થઈ હોવાનું સામે આવતાં પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

વેપારીએ જાત તપાસ કરી ફરી છટકું ગોઠવ્યું

આ ઘટના બાદ ફરિયાદીએ તા. 30 ઓક્ટોબરે વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને સાથે જ પોતાની રીતે પણ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન 'જસ્ટ ડાયલ' પર એ જ મોબાઈલ નંબર 'આર.કે. એન્ટરપ્રાઈઝ'ના નામે રજિસ્ટર થયેલો જોવા મળ્યો હતો. ભેજાબાજોનું પગેરું મેળવવા માટે ફરિયાદીએ લખનઉ રૂ. 15 લાખ મોકલવાના બહાને છટકું ગોઠવ્યું હતું, જેની તપાસ સારંગપુર સ્થિત ઘંટાકર્ણ માર્કેટની એક ઓફિસ સુધી પહોંચી હતી.

જાણીતી પેઢીઓના બોગસ નામ દર્શાવી એક જ નંબર રાખી ગ્રાહકોને ફસાવવાનું કાવતરું

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની ફુલસિંહ ચંદનસિંહ અલગ-અલગ વેબસાઈટ પર વિવિધ જાણીતી પેઢીઓના બોગસ નામ દર્શાવી તેની નીચે પોતાનો એક જ મોબાઈલ નંબર રાખતો હતો અને ગ્રાહકોને ફસાવી નાણાં પડાવી લેતો હતો. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં ફરિયાદીએ ગત તા. 28 નવેમ્બરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મુખ્ય સૂત્રધાર ફુલસિંહ, મનીષકુમાર તેમજ અન્ય સંડોવાયેલા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત