VIDEO: આખું ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું, આગામી 48 કલાક ભીષણ હીટવેવની આગાહી, જાણો ક્યારે મળશે ગરમીથી રાહત
VIDEO: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યદેવ લાલચોળ થયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ સુધી ભીષણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. માત્ર દિવસ જ નહીં, પણ હવે રાત્રિના તાપમાનમાં પણ વધારો થતાં લોકો ગરમીથી બેહાલ બન્યા છે.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે અહીં તાપમાન ખૂબ જ ઊંચું રહી શકે છે અને લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, પાટણ, આણંદ, વડોદરા અને સુરતમાં 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
વલ્લભવિદ્યાનગરમાં 62 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
આ ઉનાળામાં ગરમીએ જૂના રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. વલ્લભવિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 42.૩ ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા 8.7 ડિગ્રી જેટલું ઊંચું છે. છેલ્લા 62 વર્ષના માર્ચ મહિનાના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે વલ્લભવિદ્યાનગરનું તાપમાન આટલું ઊંચું પહોંચ્યું હોય.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમી
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અહીં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાવાને કારણે બફારો વધુ અનુભવાશે. જોકે, રાહતની વાત એ છે કે આગામી 48 કલાક બાદ ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

