સ્પાઈસજેટની ફ્લાઈટ્સ રદ્દ થતા અને મોડી પડતા અમદાવાદીઓના વેકેશનના પ્લાન ખોરવાયા

તહેવારોની રજાઓ દરમિયાન સ્પાઈસજેટની ફ્લાઈટ્સ રદ્દ થવા અને મોડી પડવાને કારણે અમદાવાદના મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા છે. એક મુસાફરની શ્રીનગરની રજા 12 કલાકના વિલંબ સાથે શરૂ થઈ હતી, જ્યારે દુબઈથી પરત ફરી રહેલા અન્ય એક મુસાફરને ફ્લાઈટ રદ્દ થતાં રૂ. 45,000 ખર્ચીને આશરે 14 કલાકની લાંબી મુસાફરી કરીને ઘરે પહોંચવું પડ્યું હતું. નવેમ્બર મહિનાના બીજા અને ત્રીજા સપ્તાહમાં અમદાવાદને શ્રીનગર, દુબઈ અને સિલિગુડી (બાગડોગરા) સાથે જોડતી ફ્લાઈટ્સ વારંવાર પ્રભાવિત થતાં મુસાફરોને મોંઘા વિકલ્પો પસંદ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદના તબીબ ડો. આનંદ ઠક્કરની શ્રીનગર જતી બપોરની ફ્લાઈટ મધરાતની આસપાસ લેન્ડ થતા તેમનો આખો દિવસ બગડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "અમે રૂ. 20,000 ચૂકવીને હોટેલ બુક કરાવી હતી, પરંતુ અમારી રજાનો આખો એક દિવસ વેડફાઈ ગયો. અમારે ગુલમર્ગ જવાનું હતું અને ત્યાં પણ હોટેલ બુક હતી, જેના પ્લાન રદ્દ કરીને બીજા દિવસ પર ખસેડવા પડ્યા." તેમણે ઉમેર્યું હતું કે તેમના એક મિત્રની શ્રીનગર-અમદાવાદ રિટર્ન ફ્લાઈટ રદ્દ થતા તેમને ઉદયપુર થઈને ટેક્સી મારફતે અમદાવાદ આવવું પડ્યું હતું.
તેવી જ રીતે, અબુ ધાબીમાં મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપીને દુબઈથી પરત ફરી રહેલા અમદાવાદના ઉદ્યોગસાહસિક નિર્ઝરી શાહની ફ્લાઈટ છેલ્લી ઘડીએ રદ્દ થઈ હતી. તેમણે જણાવ્યું કે, "દુબઈથી અમદાવાદની સીધી ફ્લાઈટમાં સામાન્ય રીતે 3થી 3.5 કલાક લાગે છે. તેના બદલે મારે રૂ. 45,000 ખર્ચીને દુબઈથી મેંગલોર, ત્યાંથી બેંગલુરુ અને પછી અમદાવાદની ફ્લાઈટ પકડવી પડી, જેમાં આશરે 14 કલાકનો સમય લાગ્યો."
એક અહેવાલ પ્રમાણે, અમદાવાદની એક ટ્રાવેલ કંપનીના માલિક અંકિત બજાજે જણાવ્યું હતું કે સ્પાઈસજેટ મુસાફરો માટે દુઃસ્વપ્ન સમાન બની ગઈ છે અને કસ્ટમર કેરમાં કલાકો સુધી રાહ જોવા છતાં મુસાફરોને કોઈ સંતોષકારક ઉકેલ મળતો નથી. આ મામલે ફ્લાઈટ્સ રદ્દ થવાના કારણો અને મુસાફરોને વળતર અંગે સ્પાઈસજેટને મોકલવામાં આવેલા ઈમેલનો કોઈ જવાબ મળ્યો નથી.









