સગીરાઓ હોસ્ટાઇલ થઈ, પ્રેમસંબંધની દલીલ પણ કામ ન આવી! પોક્સોના બે કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

અમદાવાદની પોક્સોની વિશેષ અદાલતે બે અલગ-અલગ દુષ્કર્મના કેસમાં આરોપી હરેશ પટણીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે બંને કેસમાં ભોગ બનનાર સગીરાઓ કોર્ટમાં જુબાની દરમિયાન હોસ્ટાઇલ થઈ હતી. સગીરાઓએ આરોપી સાથે પ્રેમસંબંધ હોવાનું અને પોતાની મરજીથી ઘરેથી નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, પોક્સો એક્ટ હેઠળ સગીરાની સંમતિ કાયદેસર માન્ય ન હોવાથી કોર્ટે આરોપીને સજા ફટકારી છે.
પ્રથમ કેસ વર્ષ 2022માં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 13 વર્ષ અને 10 મહિનાની સગીરા ઘરેથી જમવાનું લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સગીરા મળી આવી હતી અને આરોપી હરેશ પટણીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સગીરાને લગ્નની લાલચ આપી અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ હતો.
બીજો કેસ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસમાં 13 વર્ષ અને 11 મહિનાની સગીરા ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ હતી. તપાસમાં સગીરા અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું. બંને રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ અને પાલનપુર સહિતનાં સ્થળોએ રોકાયા હતા. આ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં બહાર આવ્યું હતું.
આ કેસમાં DNA ટેસ્ટ મહત્વનો પુરાવો બન્યો હતો. ગર્ભપાત બાદ લેવામાં આવેલા નમૂનાઓના DNA પરીક્ષણમાં આરોપી જ ગર્ભનો જૈવિક પિતા હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું.
કોર્ટમાં બંને સગીરાઓએ આરોપી વિરુદ્ધના નિવેદનોમાં સાથ આપ્યો નહોતો અને હોસ્ટાઇલ થઈ હતી. તેમ છતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે પોક્સો કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિની સંમતિને કાયદેસર સંમતિ ગણી શકાય નહીં. પ્રેમસંબંધ કે પોતાની મરજીથી સાથે જવાની દલીલ આરોપીને ગુનામાંથી મુક્ત કરી શકતી નથી.
આમ, સગીરાઓ હોસ્ટાઇલ થવા છતાં ઉપલબ્ધ પુરાવા અને કાયદાકીય જોગવાઈઓના આધારે અમદાવાદની વિશેષ પોક્સો અદાલતે આરોપી હરેશ પટણીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સગીરોની સુરક્ષા અને પોક્સો કાયદાની જોગવાઈઓના અમલની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.










