‘સૂફિયાણી વાતો બંધ કરો’, ડિજિટલ અરેસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટની પોલીસને આકરી ટકોર

ડિજિટલ અરેસ્ટના વધતા જતા કેસો અને ખાસ કરીને સિનિયર સિટીઝનો સાથે થતી કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે પોલીસને માત્ર દાવા કે સૂફિયાણી વાતો કરવાને બદલે પીડિત વડીલોના નાણાં પરત અપાવવા અને આવી છેતરપિંડી રોકવા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો હતો. રૂ. 60 લાખની ઠગાઈ બાદ પણ પીડિતને રકમ પરત ન મળતાં કોર્ટે સાયબર પોલીસની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
સાયબર પોલીસની કામગીરી સામે હાઈકોર્ટના સવાલો
ડિજિટલ અરેસ્ટ સાથે જોડાયેલા એક કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય પોલીસ અને ખાસ કરીને સાયબર ક્રાઈમ વિભાગની તપાસ અંગે પ્રશ્નો કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે પોલીસ સિનિયર સિટીઝનોને સાયબર ફ્રોડથી બચવા માટે પૂરતી સમજણ ન હોવાની વાત કરે છે, પરંતુ સાયબર પોલીસ પોતે આવા ગુનાઓની જટિલતા અને તેની પાછળના નેટવર્કને કેટલી અસરકારક રીતે સમજે છે?
કોર્ટે એ પણ પૂછ્યું હતું કે અત્યાર સુધી ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા કેટલા વડીલોને તેમના નાણાં પરત અપાવવામાં આવ્યા છે અને મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી. માત્ર મ્યુલ એકાઉન્ટ (Mule Account) ધરાવતા નાના આરોપીઓને પકડીને તપાસ પૂર્ણ માનવાને બદલે ગુનાના મૂળ સુધી પહોંચવાની જરૂરિયાત પર પણ કોર્ટે ભાર મૂક્યો હતો.
રૂ. 60 લાખની છેતરપિંડી છતાં રકમ પરત ન મળી
કોર્ટ સમક્ષ આવેલા કેસમાં ફરિયાદીએ ડિજિટલ અરેસ્ટની છેતરપિંડીમાં આશરે રૂ. 60 લાખ ગુમાવ્યા હતા. તેમ છતાં હજુ સુધી ફરિયાદીને સંપૂર્ણ રકમ પરત મળી નથી અને મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં તપાસ એજન્સી સફળ થઈ નથી. કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.
સુનાવણી દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે એક આરોપીના ભાડે અપાયેલા બેંક ખાતામાંથી રૂ. 10 લાખની રકમ રિકવર કરવામાં આવી છે. આ આરોપી ફરિયાદીને રકમ પરત આપવા તૈયાર હોવાનું પણ જણાવાયું હતું. આ સ્થિતિમાં પોલીસે પીડિતને તેની રકમ પરત અપાવવા માટે શું કાર્યવાહી કરી તે અંગે પણ કોર્ટે સવાલો કર્યા હતા.
મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસને ટકોર
કેસમાં મુખ્ય આરોપી મોહંમદ દાનિશ દ્વારા અન્ય સહઆરોપીઓના મ્યુલ બેંક ખાતામાં ડિજિટલ અરેસ્ટથી મેળવેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હોવાની વિગતો તપાસમાં સામે આવી હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું. તેમ છતાં મુખ્ય આરોપી સુધી પોલીસ કેમ પહોંચી શકી નથી, તે અંગે પણ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો.
કોર્ટે સંકેત આપ્યો કે માત્ર ખાતાધારકો સામે કાર્યવાહી કરવાથી સાયબર ફ્રોડની સમગ્ર સાંકળ તૂટી શકતી નથી. ગુનાનું આયોજન કરનારા અને નાણાંનું સંચાલન કરનારા મુખ્ય લોકો સુધી તપાસ પહોંચવી જરૂરી છે.
બેંક અધિકારીઓની જવાબદારી પર પણ ભાર
હાઈકોર્ટે મ્યુલ એકાઉન્ટના ઉપયોગને લઈને બેંકોની જવાબદારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આવા ખાતાઓમાં છેતરપિંડીની રકમ જમા થતી હોય તો ખાતું ખોલાવતી વખતે થયેલી KYC (Know Your Customer) પ્રક્રિયા અને બેંકની આંતરિક તપાસની પણ સમીક્ષા થવી જોઈએ.
સામાન્ય ગ્રાહકો માટે KYC ફરજિયાત હોય ત્યારે શંકાસ્પદ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કેવી રીતે થાય છે તે મહત્વનો પ્રશ્ન છે. કોર્ટે સૂચવ્યું હતું કે જ્યાં જરૂરી હોય ત્યાં બેંક મેનેજરો અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ તપાસવી જોઈએ. ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડી રોકવા માટે પોલીસ, બેંકો અને સંબંધિત સત્તાવાળાઓ વચ્ચે વધુ અસરકારક સંકલનની જરૂરિયાત આ કેસમાં ફરી સામે આવી છે.

