અમદાવાદમાં નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો શિકાર; યુવતી સહિતની ટોળકીએ 25 લાખ પડાવ્યા, એકની ધરપકડ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ફેસબુક પર યુવતીની રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ વૃદ્ધ યુવતીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ યુવતી સહિત ત્રણ લોકોની ટોળકીએ તેમને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા.
ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલી યુવતી સાથે વાતચીત બાદ નિવૃત્ત બેંક કર્મચારીને દહેગામ નજીક આરોપીઓએ તેમની ગાડીમાં ડ્રગ્સ હોવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ રીતે ડરાવી-ધમકાવી આરોપીઓએ તેમની પાસેથી અંદાજે 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
અલ્પેશ સોલંકી નામના આરોપીની ધરપકડ
આરોપીઓએ વધુ નાણાંની માંગણી કરતાં આખરે વૃદ્ધે હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ઝોન-7 LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસે બોટાદના અલ્પેશ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બોટાદની આ ટોળકી સોશિયલ મીડિયાના માધ્યમથી વૃદ્ધોને ટાર્ગેટ કરી હનીટ્રેપમાં ફસાવતી હોવાની આશંકા છે. આ કેસમાં પાયલ નામની મુખ્ય યુવતી તેમજ 'કાનો' સહિતના અન્ય આરોપીઓ હજુ વોન્ટેડ છે. તેમને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.
આ ઉપરાંત, આવી જ રીતે કોઈ ગેંગનો ભોગ બનેલા અન્ય પીડિતો પણ સામે આવે અને પોલીસનો સંપર્ક કરે તે માટે પોલીસે અપીલ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ટોળકીના અન્ય ગુનાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

