Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rain will break in Gujarat with thunder and stormy winds for the next 5 days

આગામી 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ અને તોફાની પવન સાથે તૂટી પડશે વરસાદ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
આગામી 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ અને તોફાની પવન સાથે તૂટી પડશે વરસાદ
સોર્સ : gstv

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયા કિનારે સર્જાનારી આ તોફાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

App Store

જૂન મહિનામાં 82% વરસાદની મોટી ઘટ

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર અશોક દાસે જણાવ્યું કે, 'આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય 110.8 મીમી સામે માત્ર 19.9 મીમી જ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં 82 ટકાની ઘટ દર્શાવે છે. જોકે, જુલાઈની શરૂઆત સાથે જ આ ઘટ પૂરી થાય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે.'

હવામાન વિભાગે આજે (30મી જૂન) છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત વડોદરા અને આણંદ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે.

બીજી તરફ ત્રીજી અને ચોથી જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની શક્યતા હોવાથી રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

ચોથીથી છઠ્ઠી જુલાઈ દરમિયાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ સિસ્ટમ સક્રિય થતાં તૂટી પડશે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, એકસાથે ચાર મોટી સિસ્ટમ સક્રિય થવાને કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે જે ભારે વરસાદ લાવશે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઑફશોર ટ્રફ અને મધ્ય પ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ સક્રિય છે. જ્યારે બીજી જુલાઈએ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે અને આ ભારે વરસાદ થશે.

નોંધનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારે પવન સાથે 'થંડરસ્ટોર્મ ચેતવણી' પણ આપી છે, જેથી સ્થાનિક તંત્રને પણ ઍલર્ટ રહેવા સૂચના અપાઈ છે.