ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ડિરેક્ટર અને CEOના ઘરમાં દરોડા, PMJAYને લગતા મહત્ત્વના દસ્તાવેજો જપ્ત
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે અગાઉ હોસ્પિટલમાંથી અનેક મહત્ત્વના પુરાવા

ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે અગાઉ હોસ્પિટલમાંથી અનેક મહત્ત્વના પુરાવા જપ્ત કરવાની સાથે ડો. પ્રશાંત વજીરાણીનીની પૂછપરછમાં પણ અનેક મહત્ત્વની વિગતો મેળવી હતી. જો કે હોસ્પિટલના ડાયરેક્ટર ઓસ્ટ્રેલિયા નાસી ગયો હોવાથી અન્ય આરોપીઓ સાથે તેના ઘરમાં સર્ચ ઓપરેશન કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને ડો. કાર્તિક પટેલના સિંધુ ભવન ખાતેના અભિશ્રી રેસીડેન્સીમાં આવેલા બંગલોનો દરવાજો તોડીને વિડિયોગ્રાફી સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસને હાર્ડ જિસ્ક, પેન ડ્રાઈવ તેમજ હોસ્પિટલને અને PMJAYને લગતા સંખ્યાબંધ અને મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા હતા.
ડૉ. પ્રશાંત વજીરાણીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંતની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. ગુરુવારે પોલીસે સમગ્ર ઘટના મામલે આરોપીની વધુ પુછપરછ કરવા માટે ફરીથી કોર્ટમાં રૂજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટે આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર, ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા 50 ટકા દર્દી બોગસ, સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ
PMJAY હેઠળ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના વ્યવહારના મળ્યા પુરાવા
આ ઉપરાંત CEO ચિરાગ રાજપુતના મકરબા રીવેરા બ્લુ ખાસે આવેલા એપાર્ટમેન્ટમાં તપાસ કરતાં નાણાંકીય વ્યવહારના પુરાવા મળી આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા સરકાર પાસેથી લેવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે.
વિદેશી દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો, જુગાર રમવાના સાધનો મળ્યા
તેમજ આરોપીઓએ મોટાપ્રમાણમાં આર્થિક ગોટાળા કર્યા હતા. જેની તપાસ માટે પોલીસે ખ્યાતિ હોસ્પિટલના 5 અને અન્ય આરોપીઓના કુલ મળીને 20થી વધારે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપુતના ઘરોમાંથી વિદેશી દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો, જુગાર રમવાના સાધનો પણ મળી આવ્યા હતા.






