ગુજરાતમાં ચોમાસું સક્રિય: અમદાવાદમાં ઝરમર વરસાદ, નવસારીના 71 રસ્તા બંધ; અનેક જિલ્લાઓમાં યલો-ઓરેન્જ ઍલર્ટ જાહેર

રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વિવિધ વિસ્તારોમાં ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે, વાડજ, થલતેજ, આશ્રમ રોડ, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદી પધરામણી થઈ હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
નવસારીમાં 71 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં અને ઓવરટોપિંગ થવાના કારણે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 71 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નવસારી તાલુકામાં 19, ચીખલીમાં 19, જલાલપોરમાં 6 અને ખેરગામમાં 4 રસ્તાઓ પર ઓવરટોપિંગ અને પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, જેમાં 1 રેલવે અંડરપાસ અને 1 રસ્તો નદી પર સ્ટ્રક્ચર ન હોવાને લીધે બંધ કરાયો છે.
સુરતમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં, લિંબાયત ગરનાળું બંધ
સુરત શહેરમાં પણ સતત પડી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. ખાસ કરીને લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજુલાના હિંડોરાણા, કડિયાળી, છતડીયા તેમજ જાફરાબાદ અને કોસ્ટલ બેલ્ટના હેમાળ, નાગેશ્રી અને વઢેરા પંથકમાં મોડી રાત્રે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ આગમનથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે.
ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો ઍલર્ટ'
હવામાન વિભાગ દ્વારા કચ્છ, સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકસાથે યલો અને ઓરેન્જ ઍલર્ટની સ્થિતિ હોવાથી તંત્ર દ્વારા નાગરિકો તેમજ માછીમારોને દરિયો ન ખેડવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

