Ahmedabad: સાયન્સ સિટીમાં મહેસાણાનો દબદબો! ધોરણ 9થી 11ના 3 વિદ્યાર્થીઓએ બનાવ્યો AI HOMOBOT, રોબોફેસ્ટમાં જીત્યું 5 લાખનું ઈનામ

Ahmedabad news: અમદાવાદ શહેરમાં આ વેલા સાયન્સ સિટીમાં આયોજિત દેશની સૌથી મોટી રોબો-મેકિંગ સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત 5.0’ની ગ્રાન્ડ ફિનાલે વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વિવિધ કેટેગરીના વિજેતાઓને કુલ રૂપિયા 5 કરોડના ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ‘રોબોફેસ્ટ ગુજરાત 6.0’નું પણ ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મહેસાણાના તેજસ્વી તારલાઓનું ‘AI HOMOBOT’
આ સ્પર્ધામાં સૌથી વધુ આકર્ષણ મહેસાણાની શ્રી વર્ધમાન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જગાવ્યું હતું. આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ—આરવ કે. પટેલ, દર્શ વી. દરજી અને લક્ષ્ય એમ. ચોરસિયાએ—પોતાના માર્ગદર્શક રુમિત મિસ્ત્રીની દેખરેખ હેઠળ અત્યાધુનિક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)થી સજ્જ ‘AI HOMOBOT’ તૈયાર કર્યો હતો. આ રોબોટ તેની બુદ્ધિ ક્ષમતાને કારણે ‘ગુજરાતનો ચિટ્ટી’ તરીકે ઓળખાઈ રહ્યો છે.
સંઘર્ષ અને સફળતાની ગાથા
આ વિદ્યાર્થીઓની સફળતાની સફર સરળ નહોતી. છેલ્લા ત્રણ મહિનાની સખત મહેનત બાદ આ પ્રોજેક્ટ તૈયાર થયો હતો.
લેવલ-1: પ્રપોઝલ મોકલીને રૂપિયા 25,000ની ગ્રાન્ટ મેળવી હતી.
લેવલ-2: ફેબ્રુઆરી 2026માં રૂપિયા 1 લાખની ગ્રાન્ટ જીતી પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
ગ્રાન્ડ ફિનાલે: 21થી 23 માર્ચ દરમિયાન યોજાયેલી ફિનાલેમાં પ્રથમ ક્રમ મેળવી રૂપિયા 5 લાખનું માતબર ઈનામ જીતી લીધું.
શાળામાં ભવ્ય સન્માન
આજે જ્યારે આ ત્રણેય વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે તેમનું કંકુ તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટીઓ અને વાલીઓએ આ જીતને વધાવી લીધી છે. હાલમાં આ રોબોટને નિદર્શન માટે સરકાર દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે.

