ધાર્મિક રિવાજ મુજબ છૂટાછેડા લીધા હોય તો મેરેજ રજિસ્ટ્રાર અરજી નકારી ન શકે: ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સિનિયર એડવોકેટ આઇ. એચ. સૈયદના વર્તન સામે હાઇકોર્ટની લાલ આંખ, ચીફ જસ્ટિસને સોંપાયો મામલો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લગ્ન નોંધણી (Marriage Registration) કરાવવા ઇચ્છતાં યુગલો માટે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિએ પોતાના ધર્મ કે સમાજના માન્ય રિવાજ મુજબ છૂટાછેડા લીધા હોય, તો માત્ર કોર્ટની ડિવોર્સ ડિક્રી (Divorce Decree) નથી તે કારણસર મેરેજ રજિસ્ટ્રાર લગ્નની અરજી સીધી ફગાવી શકે નહીં. હાઈકોર્ટે જણાવ્યું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) હેઠળ કાયદામાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદમાં રહેતા એક હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માટે મેરેજ રજિસ્ટ્રાર સમક્ષ અરજી કરી હતી. બંને અગાઉ છૂટાછેડા લઈ ચૂક્યાં હતાં. યુવકે કોર્ટ મારફતે છૂટાછેડા લીધા હોવાથી તેના દસ્તાવેજો રજિસ્ટ્રારે માન્ય રાખ્યા હતા. જોકે, યુવતીએ પોતાના શિયા ઇમામી ઇસ્માઇલી (Shia Imami Ismaili) સમાજના ધાર્મિક રિવાજ મુજબ વર્ષ 2018માં સમાજના બોર્ડ સમક્ષ છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડા માટે કોર્ટનો હુકમનામું રજૂ કરવામાં આવ્યું ન હોવાથી મેરેજ રજિસ્ટ્રારે વાંધો ઉઠાવ્યો હતો. યુવતી પાસે કોર્ટની ડિવોર્સ ડિક્રી ન હોવાનું કારણ આપીને 28 સપ્ટેમ્બરે બંનેની લગ્ન નોંધણીની અરજી ફગાવી દેવામાં આવી હતી.

જાહેરાત

હાઈકોર્ટે રજિસ્ટ્રારના નિર્ણયને ગણાવ્યો ભૂલભરેલો

મેરેજ રજિસ્ટ્રારના આ નિર્ણયને પડકારતાં યુગલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ દેવન એમ. દેસાઈએ રજિસ્ટ્રારના નિર્ણયને રદ કર્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે અરજી કરવામાં આવે ત્યારે રજિસ્ટ્રારે સૌપ્રથમ લગ્નની નોટિસ પોતાના રજિસ્ટરમાં નોંધવાની અને ત્યારબાદ તેને ઓફિસના નોટિસ બોર્ડ પર જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. કાયદા મુજબ, આ જાહેર નોટિસ બાદ લગ્ન સામે વાંધો ધરાવતી કોઈપણ વ્યક્તિને વાંધો રજૂ કરવા માટે 30 દિવસનો સમય આપવાનો હોય છે. આ સમયગાળા દરમિયાન કાયદેસર વાંધો આવે તો તેની તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર નોટિસની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ દસ્તાવેજોના આધારે લગ્નની અરજી ફગાવી દેવી યોગ્ય નથી.

આંતરધર્મી યુગલો માટે મહત્વપૂર્ણ કાનૂની રાહત

ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ધાર્મિક કે સામાજિક રિવાજ મુજબ છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કરવા ઇચ્છતા લોકોને મહત્વપૂર્ણ કાનૂની રાહત મળી છે. ખાસ કરીને આંતરધર્મી યુગલો માટે આ ચુકાદો મહત્ત્વનો છે. મેરેજ રજિસ્ટ્રાર માત્ર કોર્ટની ડિવોર્સ ડિક્રી રજૂ કરવામાં આવી નથી તે કારણસર અરજી નામંજૂર કરી શકશે નહીં. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં અધિકારીઓએ કાયદામાં નક્કી કરેલી જોગવાઈઓ અને પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત