વડોદરાના વડસર બ્રિજ પરથી પસાર થતી પાણીની મુખ્ય લાઈન જર્જરિત હાલતમાં, વહેલી તકે સમારકામ કરવા તંત્ર સમક્ષ માગ

વડોદરાના વડસર બ્રિજ પરથી પસાર થતી પાણીની મુખ્ય લાઈન જર્જરિત હાલતમાં, વહેલી તકે સમારકામ કરવા તંત્ર સમક્ષ માગ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડોદરા શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વડસર બ્રિજ પરથી પસાર થતી વર્ષો જૂની પીવાના પાણીની મુખ્ય લાઈન જર્જરિત બની રહી હોવા છતાં તેનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું ન હોવાની રજૂઆત સામાજિક કાર્યકર રાકેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. લાઈનની બહારની સાથે પાઈપની અંદરના ભાગમાં પણ કાટ લાગી ગયો હોવાનો દાવો કરી વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે.

પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ

મહીસાગર નદી તરફથી આવતી આ મુખ્ય પાણીની લાઈન વડસર બ્રિજ પરથી પસાર થઈ તરસાલી અને માંજલપુર વિસ્તારમાં પાણીનો જથ્થો પહોંચાડે છે. વર્ષો જૂની આ લાઈનનું સમયાંતરે મેન્ટેનન્સ કરવામાં ન આવે તો તેની સ્થિતિ વધુ જર્જરિત બની શકે છે. જો આ લાઈનમાં લીકેજ સર્જાય અથવા પાઈપને નુકસાન થાય તો તરસાલી અને માંજલપુર વિસ્તારના રહીશોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

જાહેરાત

આ અંગે સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન દોરી પાણીની મુખ્ય લાઈનનું તાત્કાલિક નિરીક્ષણ કરાવી જરૂરી સમારકામ કરવાની માંગ કરી છે. પાણીની લાઈનમાં કોઈ મોટી ખામી સર્જાય અને ત્યારબાદ દોડધામ કરવાની સ્થિતિ ઊભી થાય તે પહેલાં તંત્ર દ્વારા આગોતરાં પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત