શાહીબાગ ખાતે 4 ડિસેમ્બરે 'પેન્શન અદાલત'નું આયોજન, આ તારીખ સુધી કરી શકાશે અરજી

ટપાલ વિભાગ દ્વારા પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે 'પેન્શન અદાલત'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 4 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ અમદાવાદના શાહિબાગ ખાતે સવારે 11.00 વાગ્યાથી આ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
દરેક પેન્શનરને વ્યક્તિગત સાંભળવામાં આવશે
પોસ્ટમાસ્ટર જનરલ દરેક પેન્શનરને વ્યક્તિગત રીતે સાંભળશે અને તેમની ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ લાવશે. આ અદાલતનો મુખ્ય ઉદ્દેશ પેન્શનરોને વ્યક્તિગત સુનાવણી પૂરી પાડવાનો અને તેમની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવાનો છે.
25 નવેમ્બર પહેલા ફરિયાદો મોકલી દેવાની રહેશે
ટપાલ વિભાગના પેન્શનને લગતી ફરિયાદો પેન્શન વિભાગ, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ ખાતે મોકલવાની રહેશે. આ ફરિયાદો 25 નવેમ્બર 2026 (બુધવાર) સુધીમાં મોકલી દેવાની રહેશે. આ પછી મળેલી ફરિયાદો સ્વીકારવામાં આવશે નહીં.
એક અરજીમાં એકથી વધુ મુદ્દા કે વિષય ઉમેરી શકાશે નહીં
ફરિયાદો નક્કર અને સંક્ષિપ્ત હોવી જોઈએ. સામાન્ય સ્વરૂપની કે નીતિવિષયક બાબતોને લગતી ફરિયાદો સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં, એક અરજીમાં એકથી વધુ મુદ્દા કે વિષય હોવા જોઈએ નહીં. ફરિયાદો ફરિયાદી દ્વારા વ્યક્તિગત રીતે અથવા પેન્શનરના પરિવારના સભ્ય દ્વારા રજૂ કરવામાં આવશે.
વધુમાં, સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન (SCOVA)ના અધિકૃત પ્રતિનિધિઓ અને માન્ય ટ્રેડ યુનિયનો/પેન્શનર એસોસિએશનોને પણ પેન્શન અદાલતમાં હાજર રહેવા માટે આમંત્રિત કરી શકાય છે. પરંતુ તેમને પેન્શનરોની ફરિયાદો રજૂ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.









