બાપુનગરમાં યુવતીના આપઘાત મામલે લિવ-ઇન પાર્ટનર અને તેના પરિવારના 4 સભ્યોની ધરપકડ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રવિવારે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેનાર 24 વર્ષીય યુવતીને મરવા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપસર પોલીસે એક જ પરિવારના ચાર સભ્યોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં યુવતીનો લિવ-ઇન પાર્ટનર, તેના માતા-પિતા અને નાના ભાઈનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતી તેના પાર્ટનર સાથે 'મૈત્રી કરાર' હેઠળ રહેતી હતી અને બંનેને છ મહિનાનો એક પુત્ર પણ છે. યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, યુવતીનો પાર્ટનર અને તેના પરિવારજનો નાની-નાની બાબતોમાં તેને હેરાન કરતા હતા, મહેણાં-ટોણાં મારતા હતા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.
ફરિયાદમાં જણાવાયું છે કે ચારેય આરોપીઓ અવારનવાર યુવતી સાથે ઝઘડો કરી ગાળાગાળી અને મારપીટ કરતા હતા. તેઓ યુવતીને 'તું અમને ગમતી નથી' તેમ કહીને વારંવાર મરી જવાનું કહેતા હતા. અગાઉ પણ વારંવાર થતા વિવાદો બાદ યુવતીના માતા-પિતાએ સમજાવટ કરીને સંબંધ બચાવવા માટે તેને પાર્ટનરના ઘરે પરત મોકલી હતી, પરંતુ ત્રાસ યથાવત રહ્યો હતો. આખરે રવિવારે યુવતીએ બાપુનગર સ્થિત ઘરે દુપટ્ટા વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
આ ફરિયાદના આધારે બાપુનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે યુવતીના પાર્ટનરના પિતા વિરુદ્ધ અગાઉ વર્ષ 2017માં પ્રોહિબિશન એક્ટ (દારૂબંધીના કાયદા) હેઠળ પણ ગુનો નોંધાયેલો છે.









