ગુજરાત ભાડા વિધેયકને લઈને વકીલોમાં ફાંટા, અમદાવાદમાં કામથી અળગા રહ્યા

ગુજરાત ભાડા વિધેયક 2026ને લઈને વકીલોમાં જ મતભેદ સામે આવ્યા છે. અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનની સાધારણ સભામાં વિધેયકને લઈને વિરોધનો સૂર જોવા મળ્યો હતો. સરકાર સાથે બેઠક બાદ વકીલોને વિશ્વાસમાં લીધા વિના વિધેયક અંગે જાહેરાત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં વકીલો કામથી અળગા રહ્યા
બંને બાર એસોસિએશનના સભ્યોએ પ્રમુખોની બોડી બરખાસ્ત કરવાની પણ માંગ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી ન મળે ત્યાં સુધી કામથી અળગા રહેવાનો મત સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દે આજે પણ અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કામથી અળગા રહ્યા હતા. બીજી તરફ, એસોસિએશનના પ્રમુખોએ વકીલોને કામથી અળગા રહેવાનું એલાન મોકૂફ રાખવા અંગે વાત કરી હતી. જોકે, સભ્યોએ આ નિર્ણયનો વિરોધ કરતાં કામથી અળગા રહેવાની જાહેરાત કરી હતી.
ભાડા વિધેયકને લઈને વકીલ સમુદાયમાં જ બે અલગ-અલગ મત સામે આવતા મામલો વધુ ગરમાયો છે. લેખિત બાંહેધરી સહિતની માંગણીઓ અંગે હવે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.

