જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ....દિગ્ગજ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની દૈહિક વિદાય!

ગુજરાત સાહિત્યના દિગ્ગજ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લએ આજે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે તેમની સુપ્રસિદ્ધ રચાનાઓમાંથી બે રચના અહીં પ્રસ્તુત કરવામાં આવી છે:
પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ
હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ
નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ
બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ
તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ
કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ
છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ
હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ
મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ
- રાજેન્દ્ર શુક્લ
જત જણાવાનું તને કે તું બધું જાણે, સજન!
અલ્પ અક્ષર જોઈને ઓછું રખે આણે, સજન!
શબ્દનું તો પોત તારાથી અજાણ્યું ક્યાં હતું,
છે જ એવા, અટકીને ઊભે ખરે ટાણે, સજન!
શું લખાતું એની તો પૂરી ખબર અમને નથી,
આ કલમ કંઈ આડીઅવળી લીટીઓ તાણે, સજન!
સાંજના કાગળ કલમ ને દોત લઈ બેઠા છિયે,
ને હજી તો વાટ સંકોરી રહ્યા વા'ણે, સજન!
કોઈ બીજાને કહું તો એ નકી હાંસી કરે,
આ વીતક તારા વિના તો કોણ પરમાણે, સજન!
- રાજેન્દ્ર શુક્લ







