જાહેર રોડ પર બર્થડે પાર્ટી કરવી ભારે પડી! પોલીસની ગાડી આવતાં જ કેક ફેંકી યુવકો ફરાર, વીડિયો વાયરલ

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા 108 રોડ પર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તાની કિનારે લાઈનમાં છ જેટલી કાર પાર્ક કરીને કેક કાપી રહેલા યુવકો પોલીસને આવતી જોઈને કેક રસ્તા પર જ ફેંકીને ભાગી છૂટ્યા હતા.
યુવકોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અનુસાર, નરોડાના 108 રોડ પર રસ્તા કિનારે કેટલીક કાર ક્રમબદ્ધ ઊભી રાખીને યુવકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ ઉજવણીના કારણે જાહેર રસ્તા પર વાહનવ્યવહારને અડચણ ઊભી થઈ હતી અને રસ્તા પર ગંદકી પણ ફેલાવવામાં આવી હતી. ઉજવણી ચાલી રહી હતી આ દરમિયાન જ પોલીસની ગાડી આવી પહોંચતાં ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસથી બચવા માટે યુવકો કેક રસ્તા અને કાર પર ફેંકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
કાર માલિકી અંગે કોઈ પુષ્ટિ થઈ નથી
વાયરલ વીડિયોમાં દેખાતી કાર પૈકી એક કાર સરદારનગર વિસ્તારના ભાજપના એક સ્થાનિક આગેવાનની હોવાનો દાવો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. આ ઉપરાંત, આ મામલે પોલીસ ફરિયાદ ન નોંધાય તે માટે સ્થાનિક સ્તરે રાજકીય દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા પણ વહેતી થઈ છે. જોકે, પોલીસ કે પક્ષ દ્વારા કાર માલિકી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટના અંગે નરોડા પોલીસે વાઈરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનવા અને શાંતિભંગ કરવા બદલ વીડિયોમાં દેખાતા વાહનોના નંબરના આધારે કાર માલિકો અને યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.









