NOC આપવાના નામે અમદાવાદમાં કરોડોનો 'તોડ'! S.G. હાઈવે પર 9 લાખ સુધી વસૂલાતી લાંચ, સીનિયર અધિકારીઓ પણ રડારમાં!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંચિયા ચીફ ફાયર ઓફિસર (CFO) અમિત ડોંગરે એસીબીની જાળમાં ઝડપાયા બાદ ફાયર વિભાગના ભ્રષ્ટાચારના એક પછી એક સનસનાટીભર્યા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. માત્ર 36,000 રૂપિયાની લાંચના કેસથી શરૂ થયેલી તપાસમાં હવે એ વાત સામે આવી છે કે ફાયર NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ) માટે વિભાગમાં લાંચ તો પહેલા પણ લેવાતી જ હતી, પરંતુ વર્ષ 2024માં નિયમો બદલાયા બાદ સેટિંગ અને લાંચ આપવાનો ખેલ વધુ બેફામ બન્યો હતો.
FSOને NOC રિન્યુઅલની જવાબદારી સોંપાઈ હતી.
ફાયર એનઓસી રિન્યુઅલ માટે 6500 રૂપિયાથી 25 હજાર રૂપિયા સુધીનું ભાવ નક્કી કરાયો હતો. જ્યારે નવી એનઓસી માટે 50000થી જગ્યા ક્યા વિસ્તારમાં છે તેના મુજબ લાંચ લેવાતી હતી. અગાઉ 'ગુજરાત ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફટી અમેન્ડમેન્ટ એક્ટ' હેઠળ ફાયર સેફટી ઓફિસર (FSO)ને NOC રિન્યુઅલની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ વર્ષ 2024માં નિયમમાં સુધારો કરવામાં આવ્યો, જેમાં ઈન્સ્પેક્શનનું કામ FSO કરશે પરંતુ તેને આખરી મંજૂરી આપવાની સંપૂર્ણ સત્તા ચીફ ફાયર ઓફિસર પાસે આવી ગઈ.
આ નિયમ બદલાતા જ સિસ્ટમમાં એક મોટો ફેરફાર આવ્યો. જે કન્સલ્ટન્ટ કે બિલ્ડર વહેલી લાંચ આપી દે તેનું કામ તરત થઈ જતું, જ્યારે લાંચ આપવાની ના પાડે કે વિલંબ કરે તેની ફાઈલ અટકાવીને લટકાવી દેવામાં આવતી હતી. NOCની ફાઈલ પર સહી કરવા માટે અમિત ડોંગરેએ ચોક્કસ 'રેટ કાર્ડ' નક્કી કરી દીધું હતું.
FSOની કેટેગરી મુજબ નક્કી કરાયેલું 'લાંચનું ભાવપત્રક'
ચીફ ફાયર ઓફિસર દ્વારા પ્રતિ NOC રિન્યુઅલ માટે FSO દીઠ ભાવ નક્કી કર્યો હતો.
FSO - General: Rs. 6,500 (પ્રતિ NOC)
FSO - Advance: Rs. 10,000 (પ્રતિ NOC)
FSO - Specialist: Rs. 25,000 (પ્રતિ NOC)
પ્રીમિયમ વિસ્તારમાં 5થી 9 લાખ સુધીનો 'તોડ'
ફાયર એનઓસી અને સાધનો લગાવવાનું કામ કરતા એક કન્સલ્ટન્ટે નામ ન આપવાની શરતે ચોંકાવનારો દાવો કર્યો છે કે, અમિત ડોંગરે અને તેના સાથીદારો વિસ્તાર અને બિલ્ડિંગની પ્રીમિયમ પ્રોફાઈલ મુજબ લાંચના ભાવ નક્કી કરતો હતો. એસ.જી. હાઈવે અને પ્રીમિયમ વિસ્તારોની હાઈરાઈઝ કે કોમર્શિયલ બિલ્ડિંગોની ફાયર NOC માટે 5 લાખ રૂપિયાથી લઈને 9 લાખ રૂપિયા સુધીની માતબર રકમ લાંચ પેટે પડાવવામાં આવતી હતી.
સામાન્ય વિસ્તારોની બિલ્ડિંગો માટે 50 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો 'તોડ' કરવામાં આવતો હતો. કન્સલ્ટન્ટે આપવીતી જણાવતા કહ્યું હતું કે, મેં પોતે જ એક બિલ્ડિંગની ફાયર NOC મંજૂર કરાવવા માટે અમિત ડોંગરે અને તેના સાથી કર્મીને 1.5 લાખ રૂપિયાની નલાંચ આપી હતી. આ સિસ્ટમમાં માત્ર CFO એકલો જ નહીં, પરંતુ તેની નીચેના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પણ સીધી સંડોવણી છે.

