વાડજમાં લાઈટ ચાલુ કરવા જેવી નજીવી બાબતે મોટા ભાઈએ નાના ભાઈની કરી હત્યા, આરોપીની કલોલથી ધરપકડ

અમદાવાદના વાડજ વિસ્તારમાં લાઈટ ચાલુ-બંધ કરવાની સામાન્ય બાબતે બે ભાઈઓ વચ્ચે થયેલી તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉગ્ર બોલાચાલી બાદ મોટા ભાઈએ નાના ભાઈ પર કાતર વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જોકે વાડજ પોલીસે ગણતરીના સમયમાં તેની ધરપકડ કરી હતી.
કાતર વડે જીવલેણ હુમલો
મળતી માહિતી મુજબ, વાડજ વિસ્તારમાં રહેતા રાજુ ચૌહાણ અને તેના નાના ભાઈ નરેશ વચ્ચે લાઈટ ચાલુ-બંધ કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતાં રાજુએ ગુસ્સામાં આવી ફ્રિજ પર પડેલી કાતર હાથમાં લઈ નરેશ પર હુમલો કર્યો હતો. કાતરના ઘા વાગતાં નરેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.
આરોપીની કલોલથી ધરપકડ
બનાવ બાદ રાજુ ચૌહાણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગાંધીનગરના કલોલ તરફ જતો રહ્યો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં વાડજ પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસને આરોપી કલોલ તરફ ફરાર થયો હોવાની માહિતી મળતાં ટીમે કાર્યવાહી કરીને રાજુ ચૌહાણને કલોલથી ઝડપી લીધો હતો. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પણ કબજે કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળના CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નરેશ કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી અગાઉ પણ બંને ભાઈઓ વચ્ચે ઘરમાં તકરાર થતી હતી. જોકે, લાઈટ ચાલુ-બંધ કરવાની સામાન્ય બાબતે થયેલો વિવાદ અંતે હત્યા સુધી પહોંચ્યો હતો. વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

