Ahmedabad / પતિએ પત્ની અને બિહારથી આવેલા સસરાને બનાવ્યા બંધક, 'અભયમ'ની ટીમે સુરક્ષિત છોડાવ્યા

બિહારથી અમદાવાદ ખાતે સાસરે રહેતી દીકરીને તેડવા આવેલા પિતા અને પરિણીતાને સોફ્ટવેર એન્જિનિયર પતિએ ઘરમાં પૂરી બંધક બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સસરા દ્વારા ફોન પર કરાતી બિભત્સ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પરિણીતા પાસે હોવાથી ભાંડો ફૂટી જવાની બીકે પતિએ આ કૃત્ય આચર્યું હતું. પરિણીતાના પિતા તેને લેવા આવ્યા તો પતિએ તેમને પણ બંધક બનાવી દીધા હતા. અંતે 181 પર ફોન કરી મદદ માંગતા અભયમની ટીમે તેમને છોડાવી કાઉન્સેલિંગ કરી પરિણીતાને તેનો સામાન અપાવી પિતા સાથે સુરક્ષિત મોકલી આપી હતી.
મૂળ બિહારની યુવતીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ અમદાવાદમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવક સાથે થયા હતા. લગ્ન સમયે પરિણીતાના પરિવારે સાસરી પક્ષની માગણી મુજબ તમામ કરિયાવર અને રૂ.2 લાખની ગાડી આપી હોવા છતાં વધુ દહેજની માગણી સાથે સાસરિયાં તેને સતત માનસિક ત્રાસ આપતા હતા. આ વિવાદને કારણે અગાઉ પિયર જતી રહેલી પરિણીતા ત્રણ મહિના પહેલાં જ સાસરે પરત આવી હતી. સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતા સાથે તેના સસરા ફોન પર બિભત્સ શબ્દો બોલી અયોગ્ય વર્તન કરતા હતા. પરિણીતાએ આ અંગે પતિને જાણ કરી હોવા છતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો.
બીજી તરફ, પરિણીતાએ સસરા સાથેની આ ગેરવર્તણૂકનો ઓડિયો પુરાવો પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી રાખ્યો હતો. આ વાતની જાણ પતિને થતાં, પરિણીતા બહાર જઈને બધાને હકીકત જણાવી દેશે તેવા ડરથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી. સમગ્ર ઘટનાની જાણ પિતાને થતાં તેઓ બિહારથી દીકરીને લેવા આવ્યા ત્યારે પતિએ પરિણીતા અને તેના પિતા બંનેને ઘરમાં પૂરીને લોક મારી દીધું હતું. પિતાએ જેમતેમ કરીને લોક ખોલાવી બહાર નીકળ્યા બાદ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે બન્નેને છોડાવ્યા હતા અને કાઉન્સેલીંગ કરી કાયદાકીય માહિતી આપી હતી. જો કે પરિણીતાને હાલ કોઈ પોલીસ ફરિયાદ કરવી ન હોવાથી પરિણીતાને તેના પિતા સાથે સુરક્ષિત મોકલી આપી હતી.
આ ઘરમાં જીવનું જોખમ છે, સાસરે રહેવું નથી', કાઉન્સેલિંગમાં પરિણીતા ભાંગી પડી…..
181 અભયમ રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચી બંને પક્ષોની હાજરીમાં ઊંડાણપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. પરિણીતાએ ટીમ સમક્ષ રડતાં રડતાં આપવીતી વર્ણવી હતી કે, આ ઘરમાં મારો જીવ જોખમમાં છે, હું સુરક્ષિત નથી તેથી મારે હવે સાસરીમાં રહેવું નથી. પરિણીતાના સ્પષ્ટ ઇનકાર બાદ અભયમ ટીમે સાસરીવાળાઓ પાસેથી તેનો જરૂરી તમામ સામાન પરત અપાવ્યો હતો અને પિતા સાથે હેમખેમ સોંપી હતી.

