Ahmedabadના આનંદનગર દુષ્કર્મ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, માત્ર 21 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી

આનંદનગર વિસ્તારમાં ટેરેસ પર ચાલવા ગયેલી વિદ્યાર્થિની પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને ત્યારબાદ થલતેજ ખાતે આરોપી દ્વારા PIની રિવોલ્વર આંચકીને ભાગવાના પ્રયાસ દરમિયાન થયેલા ઘર્ષણ તેમજ ફાયરિંગના ચકચારી કેસમાં પોલીસે અત્યંત ઝડપી અને દાખલારૂપ કામગીરી કરી છે. પીડિતાને સત્વરે ન્યાય મળે તેવા ઉદ્દેશ્યથી, આનંદનગર પોલીસ અને ઝોન 7 LCBની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ પછી PI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત ની ટીમે ઝીણવટભરી તપાસ પૂર્ણ કરી હતી.
40થી 50 સાહેદોના નિવેદનો લેવાયા
ઘટનાના માત્ર 21 દિવસમાં જ એટલે કે 29 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા 250 થી 300 પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દેવામાં આવી છે. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, ચાર્જશીટમાં 40થી 50 સાહેદોના નિવેદનો, ભોગ બનનાર અને આરોપીના CCTV ફૂટેજ, DNA પ્રોફાઇલ તેમજ દરેક મહત્વના પુરાવાઓમાં FSLના મજબૂત વૈજ્ઞાનિક અભિપ્રાયોનો સમાવેશ કરીને આરોપી સામે કડક કાનૂની સકંજો કસવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
8 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ આનંદનગર વિસ્તારમાં આવેલા એક PGમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ કરાયું હોવાની ઘટના સામે આવી હતી. ઘટના સમયે પીડિતા ધાબા પર ટહેલવા ગઈ હતી ત્યારે આરોપી ગાર્ડ ધરમસિંહે ટેરેસનો દરવાજો બંધ કરી દીધો હતો અને યુવતીના ગળામાં વાયર ભેરવી ટૂંપો આપવાનો પ્રયત્ન કરીને દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપી પીડિતાને ટેરેસ પર જ પૂરીને ફરાર થઈ ગયો હતો. પીડિતાની બૂમો સાંભળીને મકાન માલિકે દરવાજો ખોલ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે 10થી વધુ ટીમો બનાવી CCTV ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં જ મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી આરોપી ધરમસિંહ રામશંકર સિંહને હેબતપુર પાસેથી ઝડપી લીધો હતો.
મોબાઇલ રિકવરી સમયે ફાયરિંગની ઘટના
આરોપીની ધરપકડ બાદ મેડિકલ અને DNA સેમ્પલિંગની પ્રક્રિયા પૂર્ણ કરીને પોલીસ તેને મોબાઇલ રિકવર કરવા માટે હેબતપુર વિસ્તારમાં પંચનામા માટે લઈ ગઈ હતી. આ સમયે આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને PI રણજીતસિંહ પરમારની સર્વિસ પિસ્ટલ ઝૂંટવવાની કોશિશ કરી હતી. આ ઝપાઝપી દરમિયાન કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહને પગમાં ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપી ધરમસિંહને પણ પગના ભાગે ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપી તે સમયે કહી રહ્યો હતો કે, 'હવે ફરીવાર આવું નહીં કરું, મને એકવાર માફ કરીને જવા દો.'
આ ઘટના બાદ ઇજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી બંનેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા અને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભાગવાનો તથા પોલીસ પર હુમલો કરવાનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

