Ahmedabad / 90 હજારની ઉઘરાણીમાં લોહિયાળ ખેલ: બે કિશોરો પર મિત્રએ જ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 16 વર્ષના કિશોરે નવું મોપેડ ખરીદ્યા બાદ ઉછીના લીધેલા 90 હજાર રૂપિયા પરત ન આપતાં, તેના મિત્રે વાડજ સ્થિત રામાપીરના ટેકરા નજીક બોલાવી તેના પર છરા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં કિશોરને સાથળના ભાગે ગંભીર ઈજા થતાં 5 ટાંકા આવ્યા હતા, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રના હાથ પર ઘા વાગતાં 10 ટાંકા આવ્યા હતા. આ ઘટના અંગે ગીતાબેન મિસ્ત્રીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ઓમ મકવાણા અને તેના સાગરીત ગુજ્જુ મરાઠી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
પોલીસ ફરિયાદ અનુસાર, થલતેજ ગામની ગિરનાર એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘરકામ કરતા ગીતાબેન મિસ્ત્રીનો 16 વર્ષીય પુત્ર ક્રિષ્ના તેના મિત્ર અંકુશ સાથે પાંચમી સપ્ટેમ્બરના રોજ રાતે બોડકદેવની નર્મદા આવાસ યોજનામાં રહેતા તેના મિત્ર ઓમ મકવાણાનો ફોન આવ્યો હતો અને તેણે ક્રિષ્નાને વાડજ રામાપીરના ટેકરા પાસે મળવા બોલાવ્યો હતો. ક્રિષ્ના અને અંકુશ મોપેડ લઈને BRTS રોડ સામે કૃષ્ણ ગોકુલ સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હતા.
કિશોર ત્યાં પહોંચતાં જ ઓમે ઉશ્કેરાઈને ઉછીના આપેલા 90 હજાર રૂપિયા પરત માગી ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન ઓમના સાગરીતે છરો કાઢીને ઓમને આપ્યો હતો. કિશોરે ભાગવાનો પ્રયાસ કરતાં ઓમે મોપેડ પર છરાથી ઘા માર્યા હતા, જેથી મોપેડ નમી જતાં એક ઘા ક્રિષ્નાના જમણા પગની સાથળ પર વાગ્યો હતો. ક્રિષ્નાને બચાવવા અંકુશ વચ્ચે પડતાં, આરોપીના કહેવાથી તેના સાગરીત ગુજ્જુ મરાઠીએ અંકુશ પર પણ હુમલો કર્યો હતો. હુમલા બાદ બંને મિત્રોએ સોસાયટીમાં સંતાઈને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ત્યારબાદ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

