Ahmedabad / ચંડોળા તળાવ ડિમોલિશન બાદ આવાસ ન મળતાં રોષ: રિવરફ્રન્ટ હાઉસ બહાર અસરગ્રસ્તોના ઉગ્ર ધરણાં

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય નાગરિકોના મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને પુરાવાના આધારે મકાનો આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. જો કે 6 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ ફાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે આજે 3 સપ્ટેમ્બરે સવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના 200થી વધારે લોકોનું ટોળું પહોંચ્યું હતું. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના રહીશો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી ગયું હતું.
…તો કમિશનરના ઘરે રહેવા જઈશું
પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, 'શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશીઓની સાથે ભારતીય નાગરિકોના પણ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. હાઇકોર્ટ અને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ઠરાવ કરી અને ભારતીય નાગરિકોને મકાન આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી એક પણ વ્યક્તિને મકાન ફાળવવામાં આવ્યું નથી. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે જ્યાં મ્યુનિસિપલ કમિશનર બેસતા હોય છે, ત્યાં લોકો રજૂઆત કરવા માટે અને વિરોધ કરવા પહોંચ્યા છે. જે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે, ત્યારે જ્યાં સુધી મકાન નહીં મળે ત્યાં સુધી 10,000 રૂપિયા દર મહિને ભાડું ચૂકવવામાં આવે અને જલ્દીથી જલ્દી તેમને મકાન આપવામાં આવે એવી અમારી માંગ છે.'
'કોર્પોરેશન લોકોને મકાનની વ્યવસ્થા કરી આપે'
વિપક્ષ નેતાએ કહ્યુ કે, 'અમારી પાસે ઘર નથી જેથી અમે આજે અહીંયા આવ્યા છીએ, જો મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશન દ્વારા જલ્દીથી જલ્દી મકાન નહીં આપવામાં આવે, તો અમે આવતા મહિને તમામ લોકો તેમનો સામાન લઈને મ્યુનિસિપલ કમિશનરના ઘરે રહેવા જતા રહીશું. આવાસ યોજનાના મકાનો આપવામાં ગેરરીતિ કરવામાં આવે છે. ગરીબોને તેમના હક મળી રહ્યા નથી, અને ખાનગી બિલ્ડરો હાઉસિંગ વિભાગ સાથે મળીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.'
રિવરફ્રન્ટ હાઉસ પર બેનરો સાથે મહિલાઓનો વિરોધ
પૂર્વ વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, 'મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના મકાનો આપવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. પરંતુ હજું આ પ્રક્રિયા કરવામાં આવી નથી, અને અનેક લોકો બહાર ભાડા ભરી રહેવા લાગ્યા છે. જ્યાં સુધી કમિશનર 10,000 રૂપિયા ભાડું આપવાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું.'
મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા લોકો
સાબરમતી રિવરફ્રન્ટ હાઉસના દરવાજા પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા સહિત 200થી વધુ લોકો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જો કે કમિશનર તેઓને મળ્યા નથી.

