VIDEO: અમદાવાદ ACBનો મોટો ધડાકો: સ્ટેટ ઈન્ટેલિજન્સના સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Gujarat ACB news: ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ એક મોટી કાર્યવાહી હાથ ધરીને સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના એક સિનિયર અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર કેતન દવે 80 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
શું હતો સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો અનુસાર, એક અરજદારે પોલીસ પ્રોટેક્શન મેળવવા માટે અરજી કરી હતી. આ પ્રોટેક્શન આપવા માટે સ્ટેટ આઈબીનો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી હોય છે. આ રિપોર્ટ ફરિયાદીની તરફેણમાં આપવાના બદલામાં સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર કેતન દવેએ 80 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો.
સરગાસણ ચોકડી પાસે ગોઠવ્યું છટકું
ફરિયાદના આધારે એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. કેતન દવેએ લાંચની રકમ સ્વીકારવા માટે ફરિયાદીને સરગાસણ ચોકડી પાસે આવેલા એક ફૂડ સ્ટોલની સામે પોતાની કારમાં બોલાવ્યા હતા. જેવો કેતન દવેએ લાંચની રકમનો સ્વીકાર કર્યો કે તરત જ આસપાસમાં વોચમાં રહેલી એસીબીની ટીમે તરાપ મારી તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસ બેડામાં ખળભળાટ
ઈન્ટેલિજન્સ વિભાગના સિનિયર અધિકારી જે સ્તરે લાંચ લેતા પકડાયા છે, તેનાથી વિભાગની છબી પર મોટા સવાલો ઉભા થયા છે. એસીબી દ્વારા હાલમાં કેતન દવેની અટકાયત કરી તેમના નિવાસસ્થાને અને ઓફિસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

